બૂટલેગરના પુત્રની ટોળકીએ બેંક કર્મચારીને છરીના ઘા ઝીંકી દીધા
રાજકોટના ગાંધીગ્રામમાં બૂટલેગર પુત્રએ સળગતી દિવાસળી ફેંકતા બબાલ બાદ સામસામી સટાસટી, ખૂનની કોશીશનો ગુનો નોંધાયો
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે આવેલ આશાપુરા પાન નામની દૂકાને સળગતી દિવાસળી ફેંકવા બાબતે બુટલેગરના પુત્ર અને બેંક કર્મચારી વચ્ચે થયેલ બબાલ બાદ સામાસામી છરીઓ ઉડી હતી. જેમાં બુટલેગરના પુત્રએ બેંક કર્મચારીને છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સામાપક્ષે બેંક કર્મચારીના સાગરીતોએ પણ બુટલેગરના પુત્ર પર છરીથી હુમલો કર્યો હતો. આ મામલે હત્યાની કોશીષની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
રાજકોટના આલાપગ્રીન સીટી પાછળ જીવન શાંતિ સ્કૂલ નજીક અમૃત પાર્કમાં રહેતા અને આઈડીએફસી બેંકમાં નોકરી કરતા હિરેન કાનાભાઈ ડોડિયા ઉ.વ.24એ નોંધાવેલ ફરિયાદમાં નામચીન બુટલેગર હર્ષદ માજનના પુત્ર જેનીષ હર્ષદ માંડવિયા, સુજલ સોલંકી અને સુનિલનું નામ આપ્યું છે. હિરેન ફાંકી ખાવા માટે પાનની દુકાને હતો ત્યારે કારણ વગર સળગતી દિવાસળી હિરેન ઉપર ફેંકતા ઝઘડો થયો હતો અને જેનીસ, સુજલ અને સુનિલે છરી વડે હિરેન ઉપર હુમલો કરી તેની હત્યાની કોશીષ કરી હતી.
આ બનાવમાં હિરેને પોતાના મિત્રોને ફોન કરતા સાગર અને રમિઝ જુનેજા ત્યાં ધસી આવ્યા હતા અને આ બન્નેએ જેનીશ હર્ષદ માંડવિયા ઉ.વ.18 ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઘવાયેલા જેનીસ હર્ષદ માંડવિયાને પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે બન્ને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી છે. જેમાં હિરેનની ફરિયાદને આધારે જેનીસ હર્ષદ માજન, સુજલ સોલંકી અને સુનિલ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જ્યારે ભવાની ચોક વૃંદાવન સોસાયટીમાં રહેતા જેનીસ હર્ષદ માંડવિયા ઉ.વ.18ની ફરિયાદના આધારે સાગર અને રમીઝ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
બૂટલેગર પરિવાર સામે 10 દિવસમાં ત્રીજો ગુનો નોંધાયો
સૌરાષ્ટ્રના નામચીન બુટલેગર હર્ષદ માણેકલાલ મહાજન અને તેના પરિવાર સામે 10 દિવસમાં ત્રીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત તા. 5 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં બે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં હર્ષદ માજનને તેની પત્ની સાથે અણબનાવ હોય ફોન ઉપર વાત કરવા બાબતે સાસુ સરોજબેન મનહરલાલ કોટકને ધમકી આપી હતી. અને ત્યાર બાદ તેની ફરિયાદ નોંધાતા તેનો ખાર રાખીને હર્ષદ માજન તથા તેનો પુત્ર આશિષ અને તેના મિત્રો સહિત ત્રણ શખ્સોએ સાથે મળી આનંદ નગર કોલોનીમાં રહેતા બુટલેગર હર્ષદ માજનના સાળી રૂપલબેન અને સાઢુભાઈ જયેન્દ્ર ઉપર હુમલો કર્યો હતો. 19થી વધુ ગુનામાં સંડોવાયેલા બુટલેગર સામે 10 દિવસ પૂર્વે બે ફરિયાદ નોંધાયા બાદ તેના નાના પુત્ર જેની સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાતા આ પરિવાર સામે 10 દિવસમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ છે.