ધારીમાં છેડતી બાબતે જૂથ અથડામણ: પિતા-પુત્રને ઈજા
આરોપી કોર્ટ મુદતે આવતા યુવતીના પરિવારે હુમલો કરતાં છોડાવવા વચ્ચે પડેલા પિતા-ભાઇને માર માર્યાનો આક્ષેપ: સામસામે બન્ને પક્ષે ફરિયાદ
ધારીમાં રહેતો યુવાન છેડતીના કેસમાં કોર્ટ મુદ્દત હોવાથી ગામમાં આવ્યો હતો ત્યારે યુવતીના પરિવાર અને યુવકના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં યુવકને છોડાવવા વચ્ચે પડેલા પિતા અને ભાઈને પણ યુવતીના પરિવારે માર માર્યો હોવાના આક્ષેપ સાથે પિતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારામારી કરનાર બન્ને પક્ષે 11 શખ્સો સામે સામસામી ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના વાઘાપર વિસ્તારમાં રહેતા મનુભાઈ ધીરુભાઈ કણસાગરા (ઉ.વ.49) અને તેમનો પુત્ર અજીત મનુભાઈ કણસાગરા (ઉ.વ.21) રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા. ત્યારે યશુ ભગુ, વિપુલ રમેશ, વિશુ જય અને હકુ સહિતના શખ્સોએ ઝઘડો કરી તલવાર અને કુહાડી વડે હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ધારી પોલીસને જાણ કરતા ધારી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત મનુભાઈ કણસાગરાનો મોટો પુત્ર સુભાષ ચાર મહિના પહેલા હુમલાખોર જયસુખની પુત્રી સાથે ગામમાં વાત કરતા પકડાઈ ગયો હતો જે અંગે સુભાષ કણસાગરા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઇ હતી અને કોર્ટની મુદત હોવાથી સુભાષ કણસાગરા ગઈ કાલે ગામમાં આવ્યો હતો. ત્યારે યુવતીના પરિવારે હુમલો કર્યો હતો. તેને બચાવવા વચ્ચે પડેલા પિતા અને ભાઈ ઉપર હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસની પ્રાથમિક પુછપરછમાં પોક્સોના ગુનામાં કોર્ટ મુદતે આરોપી આવ્યો હતો. ત્યારે યુવતિ અને આરોપીના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. બન્ને પક્ષે મારામારી કરનાર 11 શખ્સો સામે સામસામી ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે ધારી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.