બોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડ
બોટાદ જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસે કરોડો રૂૂપિયાના સાઇબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાજ્ય સાઇબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર અલીરાજા શબ્બીર અલીની ધરપકડ કરી છે. ગઢડા શહેરના રહેવાસી અલીરાજા શબ્બીર અલી પર ખોટી એપ્લિકેશન બનાવીને લોકો સાથે આર્થિક છેતરપિંડી કરવાનો આરોપ છે. સાઇબર ક્રાઈમ ટીમે તપાસ દરમિયાન આ ખુલાસો કર્યો હતો.
પોલીસ તપાસમાં અલીરાજાના બેંક એકાઉન્ટ્સમાંથી 43 કરોડ 60 લાખ રૂૂપિયાના ટ્રાન્ઝેક્શનના પુરાવા મળ્યા છે, જે આ કૌભાંડની વ્યાપકતા દર્શાવે છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે અલીરાજા સાથે અન્ય ત્રણ સાથીદારો પણ આ ગેંગમાં સામેલ છે. મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસ બાકીના આરોપીઓની શોધખોળ અને તકનીકી તપાસ ઝડપી બનાવી રહી છે.
સાઇબર ક્રાઈમ પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ વિરુદ્ધ ભારત સરકારના ગઈછઙ પોર્ટલ પર લગભગ પાંચ જેટલી ફરિયાદો નોંધાઈ છે.આ ગેંગ ખોટી એપ્લિકેશન દ્વારા રોકાણના નામે લોકોના વિશ્વાસનો દુરુપયોગ કરીને પૈસા પડાવતી હતી. અલીરાજા શબ્બીર અલીની ધરપકડથી વધુ મોટા કૌભાંડના ખુલાસા થવાની સંભાવના છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ મીડિયાને આ માહિતી આપી હતી.