દ્વારકાની ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવાના બહાને રૂા.17.51 લાખની છેતરપિંડી
દ્વારકામાં આવેલી એક ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવા માટે તલાલા ના એક યુવાને રૂૂ. 17.51 લાખની રકમ લઈ અને સોલર પેનલ ફીટ ન કરતા આ અંગે ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકાના વિરમેશ્વર નગર વિસ્તારમાં હાલ રહેતા રમેશ ભીમાભા બઠીયા નામના 40 વર્ષના યુવાને ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના રહીશ વિશાલ ભરતભાઈ પંચોલી સામે દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે દ્વારકા નજીક નાગેશ્વર રોડ ઉપર આવેલી આવેલા વિરમભા આશાભા માણેક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં સંસ્થાને સોલાર પેનલ ફીટ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે વિશાલ પંચોલીનો સંપર્ક થતા તેણે ગૌશાળામાં વ્યાજબી ભાવથી સોલાર પેનલ ફીટ કરી આપવાનો વિશ્વાસ કેળવી લીધો હતો.
બાદમાં વિશાલ પંચોલીએ ફેબ્રુઆરી 2025 માસમાં સોલાર પેનલ માટેનો જરૂૂરી માલસામાન ખરીદ કરવા માટે સંસ્થા પાસેથી રૂૂ. 17 લાખ 51 હજારની રકમ ચેક મારફતે મેળવી હતી. આ રકમ લીધાને લાંબો સમય થઈ ગયો હોવા છતાં તેણે ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરી આપી ન હતી. આ રીતે આરોપી વિશાલ ભરતભાઈ પંચોલી દ્વારા સંસ્થા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ રમેશભાઈ બઠીયાની ફરિયાદ પરથી ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ દ્વારકાના પી.આઈ. એલ બારસીયા ચલાવી રહ્યા છે.