મોરબીમાં યુવાનનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપનાર બેલડીને ચાર વર્ષની જેલ
છેડતીનું આળ મૂકી યુવાન ઉપર હુમલો કર્યાના કેસમાં ધરપકડ થઇ’તી
મોરબીના વાવડી રોડ પર યુવકનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં બે આરોપીઓને ચાર વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો કોર્ટે હુકમ કર્યો છે. બનાવની વિગતો મુજબ સાત વર્ષ પહેલા તારીખ 01/09/2025 ના રોજ આરોપી સંજય ગાંડુભાઈ ભરવાડ (રહે. ભરવાડ શેરી,હાલ શ્યામ પાર્ક પંચાસર રોડ) તથા વિવેક ભરતભાઈ ઝાલા મોરબી વાળાઓએ ફરિયાદી સાગર કાંતિલાલ ચાવડા (રહે.નાની વાવડી) પર છેડતીની શંકાના આધારે વાવડી ચોકડી નજીક, ગૌશાળા પાસે રોડ પર આંતરીને ઉપરોક્ત બાબતે ઝઘડો કરી ઢીંકા-પાટુંનો મૂંઢ માર મારી બાદમાં સંજય ભરવાડે પોતાની પાસે રહેલી છરીથી ફરિયાદી સાગર પર હુમલો કર્યો હતો.જે હુમલામાં આરોપી સંજયે સાગરના ડાબા હાથના કાંડાથી પંજા સુધીના હાથ પર છરીના ખુન્નસપૂર્વક ઘા કરતા સાગરનો પંજો હાથથી છૂટો પડી ગયો હતો.
જેથી તે લોહીલુહાણ થઈ ગયો હતો.આ ઝપાઝપી દરમ્યાન સાગરના ડાબા પગના ગોંઠણના ભાગે પણ છરીનો એક ઘા મારતા સાગર સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરી બન્ને આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.બાદમાં સાગરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ પરથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.