સદર બજારમાં ડેરી સંચાલક ઉપર કાકાજી સસરા સહિત ચાર શખ્સોનો હુમલો
શહેરના સદર બજાર વિસ્તારમાં ડેરી ચલાવતાં યુવાન ઉપર કાકાજી સસરા, તેના પુત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોપટપરામાં કૃષ્ણનગર શેરી નં.2માં રહેતા અને સદરબજારમાં ડેરી ચલાવતા વિરલ મુકેશભાઈ સિંધવ (ઉ.20) નામના યુવાને પ્ર.નગર પોલીસ મથકમાં નોંધવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના કાકાજી સસરા આંબાભાઈ બાંભવા તેનો પુત્ર જીલ બાંભવા, પારસ ધ્રાંગીયા અને કાનો ફાગલીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેના કાકાજીનો પુત્ર જીલ તેને ફોનમાં અભદ્ર મેસેજ કરતો હોય જે બાબતે તેના પિતાએ સસરા ધનજીભાઈને ફોન કરી સમજાવવા જણાવ્યું હતું. બાદમાં ગઈકાલે તે બાઈક લઈ સંતકબીર રોડ પર કામ અર્થે જતો હતો ત્યારે જીલે આવી બાઈક અથડાવ્યું હતું અને બોલાચાલી કરી હતી. બાદમાં તે પોતાની દુકાને હતો ત્યારે તેના કાકાજી સસરા આંબાભાઈએ ફોન કરી ‘હું તને છોડીશ નહીં જાનથી મારી નાખીશ’ તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ ઉપરોકત તમામ આરોપીઓએ દુકાને આવી તેના ઉપર છરી અને લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે ચારેય આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.