જેતપુરના દેવકી ગાલોલ ગામે સરપંચના ઘરે ચાર શખ્સોનો હથિયારો સાથે આતંક
જેતપુરના દેવકી ગાલોલ ગામે લગ્નમાં વિડીયો શુટિંગ ઉતારવા બાબતે થયેલ માથાકૂટ બાદ સરપંચના પરિવારના ઘરે જઈ ચાર શખ્સોએ આંતક મચાવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના દેવકી ગાલોલ દલિત વાસમાં રહેતા કાજલબેન રાજેશભાઇ ગોવીંદભાઇ ખુમાણ (ઉ.વ.25)એ નોંધાવેલી ફરિયાદને આધારે જેતપુર તાલુકા પોલીસે વિમલભાઇ વિનોદભાઇ જાદવ તથા તેનો ભાઇ અંકુરભાઇ વિનોદભાઇ જાદવ તથા બીજા તેમના સાળા બે વડલી ચોક જેતપુરના ભોલો મકવાણા તેમજ બોરડી સમઢીયાના જીતુ મકવાણા સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં કાજલબેને જણાવ્યું કે, ગઇ કાલ રાતના આશરે સાડા બારેક વાગ્યે પોતે તથા મારા પતિ અમારા ઘરે સુતા હતા ત્યારે અચાનક રાત્રે અમારા દરવાજે અવાજ આવવા લાગેલ અને ગાળા-ગાળીનો અવાજ આવવા લાગેલ જેથી તે તથા મારા પતિ જાગીને દરવાજો ખોલતા ત્યાં બાજુમા રહેતા તેમની જ્ઞાતીના વિમલભાઇ વિનોદભાઇ જાદવ તથા તેનો ભાઇ અંકુરભાઇ વિનોદભા ઇ જાદવ તથા બીજા તેમના સાળા બે ભોલો મકવાણા રહે.વડલી ચોક જેતપુર તથા જીતુ મકવાણા રહે.બોરડી સમઢીયાળા વાળા ચારેય ગાળો બોલતા હોય જેમા ભોલો મકવાણાના હાથમા તલવાર હતી અને જીતુ મકવાણાના હાથમા છરી જેવુ હથીયાર હતુ અને આ ચારેય ગાળો બોલતા હતા અને કહેતા હતા કે આજે તમો બધાને પતાવી દેવા છે અને તમારી ઉપર ફોર વ્હીલર ચડાવી દેવી છે અને તમારા જેટલા હોય તેને ભેગા કરો અને તમારે જ્યાં ફરીયાદ કરવી હોય ત્યાં અમારા વિરુધ્ધ ફરીયાદ કરી દેજો અમો કોઇથી ડરતા નથી અમારી આખી ગેગ છે તમે સરપંચના છોકરાઓ હોય તો પણ અમો તમારા થી ડરતા નથી તેવામા ઝગડાનો અવાજ થતા સસરા ગોવીંદભાઇ તથા સાસુ મંજુલાબેન તથા દિયર નીતીનભાઇ આવી ગયેલ તે દરમ્યાન આ જીતુ મકવાણાએ છરી કાજલના દિયરના પેટ ઉપર રાખી દીધેલ અને ધમકી આપેલ કે આટલી વાર લાગશે તેવામા ત્યાં માણસો એકઠા થતા અમારી બાજુમા રહેતા બંન્ને ભાઇઓ તેના ઘરે જતા રહેલા તથા આ ભોલો અને જીતુ ત્યાંથી જતા રહેલા હતા. કાજલબેને ફરિયાદ માં જણાવ્યું કે આ બનાવનુ કારણ એવુ છે કે, પંદેરક દિવસ પહેલા તેમની બાજુમા લગ્ન પ્રસંગમા આ લોકો વીડીયો ઉતારતા પતિ રાજેશભાઈએ વિડીઓ ઉતારવાની ના પાડતા ત્યારથી બાજુમા રહેતા વિમલ વિનોદભાઇ જાદવા સાથે મન દુ:ખ ચાલતુ હોય જેનો રાગ-દ્વેષ રાખી આ ચારેય જણા હથીયાર સાથે બોલાચલી કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય આ બાબતે પોલીસે સરપંચ પરિવારને ધમકી આપનાર ચારેય સામે ગુનો નોંધ્યો છે.