આટકોટમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર શખ્સોનો તલવાર-પાઇપથી હુમલો
જસદણના આટકોટ ગામે આવેલા હુસેની ચોકમાં અગાઉ ઘર પાસે નીકળવા મુદ્દે થેલી બોલાચાલીનો ખાર રાખી યુવાન ઉપર ચાર શખ્સોએ તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલા હુસેની ચોકમાં રહેતા હુસેન હારૂૂનભાઇ પરમાર નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે સિકંદર બાબુ પોક, આદિલ બાબુ પોક, અખિલ બાબુ પોખ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હુસેન પરમારને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલો હુસેન પરમાર ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને અગાઉ ઘર પાસે નીકળવા બાબતે હુમલાખોર શખ્સો સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.