ગોંડલમાં જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર ચાર શખ્સનો છરી-પાઇપથી હુમલો
ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલા ત્રણ માળિયા ક્વાર્ટરમાં માતા પુત્રી ઉપર જુની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી માતા પુત્રીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલા ત્રણ માળીયા ક્વાર્ટરમાં રહેતી રીટાબેન રવુભા પીંગર (ઉ.વ.45) અને તેની પુત્રી સંધ્યાબેન રવુભા પીંગર (ઉ.વ.18) રાત્રીના બેએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે જુસબ, અલ્તાફ જુસબ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલી માતા પુત્રીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જૂનાગઢના ડુંગરપુર ગામે રહેતી જ્યોતિબેન કિશોરભાઈ રાઠોડ નામની 24 વર્ષની યુવતી પાંચ દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના સમયે તેની નાની બહેન સાથે મોબાઈલ બાબતે ઝઘડો થતા તેણીને માઠું લાગી આવતા એસિડ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.