પત્નીની છેડતી કરનારને ઠપકો આપતા પતિ ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો
ચોટીલા તાલુકાનાં મોણપર ગામે રહેતા પ્રૌઢ પત્નીની છેડતી કરનાર કૌટુંબીક ભાઇને સમજાવવા માટે ગયા હતા ત્યારે 4 શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઇપ વડે માર માર્યો હતો . હુમલામા ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલાનાં મોણપર ગામે રહેતા વલ્લભભાઇ ગોબરભાઇ બાવળીયા (ઉ. વ. 4પ ) બપોરનાં બે વાગ્યાનાં અરસામા પોતાનાં ગામમા હતા ત્યારે કુરજી, અશોક, સંજય અને હરેશ નામનાં શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. પ્રૌઢને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
પ્રાથમીક પુછપરછમા વલ્લભભાઇ બાવળીયાની પત્નીની હુમલાખોર હરેશે છેડતી કરી હતી . જે અંગે વલ્લભભાઇ બાવળીયા સમજાવવા ગયા હતા ત્યારે પિતા-પુત્ર સહીતનાં ચારેય શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે . આક્ષેપનાં પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.