જૂનાગઢના શિષ્યવૃત્તિ કૌભાંડમાં બે વર્ષ બાદ ચાર કૌભાંડીઓની ધરપકડ
જૂનાગઢમાં વિદ્યાર્થીઓના નામે અનુ.જાતી કલ્યાણ કચેરીમાંથી સરકારના નિયમ અન્વયે મળવાપાત્ર શિષ્યવૃત્તિ રકમ મેળવવા ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે રજુ કરીને આશરે 2,245 જેટલા વિદ્યાર્થીઓના નામે રૂૂ.4,60,38. 550ની મસમોટી રકમ મેળવીને ઉચાપત કરી કૌભાંડ આચર્યું હોવાની જુલાઈ 2023માં ફરિયાદ કરવામાં આવી હતી, જે કેસમાં એસઓજી દ્વારા ચાર શખ્સોની ધરપકડ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ અનુસુચિત જાતી કલ્યાણ કચેરીના નાયબ નિયામક કે.વી.ભરખડા દ્વારા ગત તા.15 જુલાઈ 2023 ના રોજ પોલીસમાં 12 જેટલી વિવિધ સંસ્થાઓના આચાર્ય, ટ્રસ્ટના હોદ્દેદારો સામે ફરિયાદ આપવામાં આવી હતી.
જે ફરિયાદના આધારે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના અધ્યક્ષ સ્થાને એક સીટની રચના કરીને કેસની ઊંડાણપૂર્વક તપાસ શરુ કરવામાં આવી હતી, જે તપાસમાં એસઓજી દ્વારા ફરિયાદમાં બતાવેલ 12 સંસ્થાઓની ઓફીસ ખાતેથી રજુ કરેલ ડોક્યુમેન્ટની તપાસમાં 2245 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા હતા. તેમજ સંસ્થાઓની બેંક પાસેથી ડીટેઇલ મંગાવી તે બેંક એકાઉન્ટ હોલ્ડરની માહિતી પરથી ફ્રોડની રકમ જમા થયેલ હતી. તેમાં કુલ પાંચ આરોપી પૈકી વેપારી રમેશ કાળુ બાકુ ઉ.31 (જેપુર, તાલાલા), પ્રશિક્ષણ એજ્યુકેશનના સંચાલક અને વકીલ રમણીક નાથા રાઠોડ ઉ.36 (રહે.ગળોદર, માળિયા), પેરા મેડીકલ સ્કુલના સંચાલક અને જોબવર્ક કરતા ભાવિન લાલજી ડઢાણીયા ઉ.38 (અમદાવાદ, વસ્ત્રાલ, મૂળ માળિયા હાટીના), અને ક્રિષ્ના ઇન્સ્ટીટયુટના સંચાલક અને લાઈફ એકેડમીના સંચાલક એવા જગદીશ ભીખા પરમાર ઉ.43 (કેશોદ, ઉમાંધામ, મૂળ ચોરવાડ)ને ઝડપી લીધા છે.
પોલીસે પાંચ પૈકી ચાર આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચારેય આરોપીના આગામી 22 સપ્ટેમ્બર સુધી 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે, તેમજ હજુ એક આરોપી માંગરોળના પ્રિન્સીપાલ અને ઇન્ડીયન ઇન્સ્ટીટયુટના સંચાલક અમરેલીયા ઉમર ફારુક મો.ઈબ્રાહીમને પકડવાનો બાકી છે.