લક્ષ્મીના ઢોળે ખરાબાના પ્લોટ મામલે નિવૃત્ત આર્મીમેનના પિતા પર ચારનો હુમલો
શહેરના કાલાવડ રોડ પર આવેલા લક્ષ્મીના ઢોળે રહેતા નિવૃત આર્મીમેનના વૃદ્ધ પિતા પર ચાર શખ્સોએ હુમલો કરતા તેઓને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવની મળતી વિગતો મુજબ, કાલાવડ રોડ પર આવેલા લક્ષ્મીના ઢોળે રહેતા નિવૃત આર્મીમેનના પિતા નથુભાઇ પમાભાઇ મુછડીયા (ઉ.વ.70)નામના વૃદ્ધે તેમના કૌંટુબીક ભાણેજ આશિષ અમુભાઇ ચૌહાણ, તેમના માતા મજુબેન ચૌહાણ, રાજુભાઇ ચૌહાણ અને રીટાબેન રાજુભાઇ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નથુભાઇએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓ હાલ નિવૃત જીવન જીવે છે. તેમને સંતાનમાં બે પુત્ર જેમાંથી મોટો પુત્ર એસ.ટી. ડ્રાઇવરની નોકરી કરે છે અને બીજો પુત્ર ભુપેન્દ્ર જે આર્મીમાં નિવૃત છે અને બન્ને સરપદડ ગામે રહે છે. ગઇ તા.18ના રોજ સવારના સમયે પોતે મંદિરમાં જતા હતા ત્યારે કૌંટુબીક ભાણેજ આશીષ ચૌહાણે માથુકટ કરી કહ્યુ હતુ કે, તમે ઘર પાસે રહેલો ખરાબાનો પ્લોટ કેમ વારી લીધેલ છે જેના લીધેલ પાણી ભરાય છે અને ચાલવામાં પણ તકલીફ થાય છે. જેથી નાથુભાઇએ કહ્યુ કે, અહીં ઘણા લોકોએ પ્લોટ વાળેલ છે. જેથી આશીષ ઉશ્કેરાઇ ગયો અને લાકડી વળે માર માર્યો હતો. ત્યાર બાદ મંજુબેન, રાજુભાઇ અને રીટાબેન એમ ચારેયે મળીને નાથુભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો.
તેમજ દેકારો થતા આરોપીઓએ જતા-જતા કહ્યુ કે, જો અમારી સાથે માથાકુટ કરશો તો તમને જીવતા રહેવા નહીં દઉ કહીં ધમકી આપી હતી. ત્યાર બાદ નથુભાઇ જાતે જ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચ્યા હતા. આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરી છે.