મુન્દ્રામાં ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી મકાન-કાર પડાવનાર ચાર ઝડપાયા
મુંદરામાં દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી બળજબરીપૂર્વક મકાનના ખરા દસ્તાવેજ તથા ગાડી પડાવી લેનારા આરોપી ચાર આરોપીને મુંદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ, ફરિયાદી વિરુદ્ધ મુંદરા પોલીસમાં થયેલી અરજીની જાણ થતાં આ સંદર્ભે આરોપી કચ્છ ઉજાગર ન્યૂઝના સહતંત્રી-પત્રકાર મુસ્તાક અલારખિયા હાલાએ સામેથી ફરિયાદીનો સંપર્ક કરી ભોગ બનનારના વિરુદ્ધ મીડિયામાં ન આવે તેમજ તેને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
આ મામલે સમાધાન કરવા આરોપી મોહમદ શકીલ યાકુબ ધુઈયા અને વકીલ મહમદરફીક હાજી ખોજાનો સંપર્ક કરવા જણાવતાં આરોપીની વાતમાં આવી જઈને ફરિયાદી શકીલની સહારા ફાયનાન્સ નામની ઓફિસે ગયા હતા, જ્યાં ત્રણેય આરોપી સાથે હિમાંશુ નવીનભાઈ મકવાણા નામનો શખ્સ સહિત અગાઉથી કાવતરું રચીને બેઠેલા ચારેય આરોપીએ દુષ્કર્મની ફરિયાદ અંગે ભય બતાવ્યો હતો. આરોપીઓએ ભોગ બનનારા પાસેથી તેની કાર જેની કિં. રૂૂા. 5,00,000 તથા તેના મકાન કિં. રૂૂા. 30,00,000ના દસ્તાવેજ બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા. આ મામલે ભોગ બનનારે પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો હતો અને જુદી-જુદી ટીમ બનાવી આરોપીઓની શોધખોળ આદરી હતી, જેમાં ચારેય આરોપી ઝડપાયા હતા.