સાવરકુંડલામાં હીરાના વેપારીનું અપહરણ કરનાર જૂનાગઢ, રાજકોટ પંથકના ચાર આરોપી ઝડપાયા
હીરાના કારખાનામાં ખોટ ગઇ હોય જેથી પૈસાની લેતી-દેતીનું મનદુ:ખ રાખી અપહરણ કર્યુ’તું: અમરેલી એલસીબીએ કારખાનેદારને જેતપુર નજીકથી મુકત કરાવ્યા
સાવરકુંડલામા હિરાના એક કારખાનેદારનુ ચાર શખ્સોએ પૈસાની લેતી દેતીના મુદે જાહેર ચોકમાથી અપહરણ કરીને લઇ જતા સમગ્ર પોલીસ તંત્ર દોડતુ થયુ હતુ. બાદમા અમરેલી એલસીબીએ ટેકનીકલ સોર્સના આધારે અપહરણકારોનુ પગેરૂૂ દબાવી ચારેય શખ્સોને જેતપુર અને ગોંડલ પંથકમાથી ઝડપી લઇ કારખાનેદારને સહી સલામત છોડાવ્યા હતા.
આ ઘટના સાવરકુંડલામા શિવાજીનગર ખાતે આવેલ પટેલ જ્ઞાતિની વાડીની બહાર બની હતી. જયાં મુળ સાવરકુંડલા તાલુકાના સાકરપરા ગામના અને હાલમા જેસર રોડ પર ઘનશ્યામનગરમા રહેતા ભરતભાઇ વશરામભાઇ પાઘડાળ (ઉ.વ.35) નામના હિરાના કારખાનેદાર યુવકનુ અપહરણ થયુ હતુ.
બનાવ અંગે ભરતભાઇના ભાઇ વિપુલભાઇ લખમણભાઇ પાઘડાળે સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના કૌટુંબિક ભાઇ ભરતભાઇનુ ચાર શખ્સોએ અપહરણ કર્યુ હતુ. તેઓ અહી બાઇક લઇને પસાર થતા હતા ત્યારે પાછળથી કારમા આવી ચાર શખ્સોએ બળજબરીથી તેમને કારમા બેસાડી સાથે લઇ ગયા હતા. તેઓ હીરાનુ કારખાનુ ચલાવે છે અને હીરાના કારખાનામા ખોટ ગઇ હોય જે પૈસાની લેતી દેતી બાબતનુ મનદુખ રાખી ચાર અજાણ્યા શખ્સો કાર નંબર જીજે 03 એચએ 8134 લઇને આવ્યા હતા. આ શખ્સોએ યુવકને બળજબરીપુર્વક કારમા પાછળની સીટમા બેસાડી અપહરણ કરીને લઇ ગયા હતા. બનાવની વધુ તપાસ પીએસઆઇ એ.એન.ગાંગડા ચલાવી રહ્યાં છે.
આ અંગે ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ અપહરણકારોનુ પગેરૂૂ દબાવ્યું હતુ. અને બે શખ્સોને ગોંડલ નજીકથી તથા બે શખ્સોને જેતપુર નજીકથી ઝડપી લઇ ભરતભાઇને સહી સલામત છોડાવ્યા હતા. પૈસાની લેતી દેતીનો મામલો શું હતો અને અપહરણની આ ઘટનામા અન્ય કોઇ વધુ શખ્સો સંડોવાયેલા છે કે કેમ ? તે જાણવા સ્થાનિક પોલીસ પુછપરછ કરી રહી છે.સાવરકુંડલાના હિરાના કારખાનેદાર ભરતભાઇ પાઘડાળ ગઇકાલે બપોરે પોણા બે વાગ્યે શિવાજીનગરની પટેલ સમાજની વાડી પાસે બાઇક લઇને ઉભા હતા ત્યારે કારમા ચાર શખ્સો આવ્યા હતા.
ત્રણ શખ્સોએ નીચે ઉતરી ભરતભાઇને બળજબરીથી કારમા બેસાડી દીધા હતા. જયારે ચોથો શખ્સ ડ્રાઇવીંગ સીટ પર જ બેઠો રહ્યો હતો. અને બાદમા ભરતભાઇને લઇ કારમા ચારેય શખ્સો જેતપુર તરફ નાસી છુટયા હતા.પોલીસે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ઇટોળા ગામના તેજપાલ ગુલાબસિંહ જાડેજા (ઉ.વ.31), લોધિકામા મેટોડા જીઆઇડીસીમા આસ્થા રેસીડેન્ટમા રહેતા ભાગ્યપાલ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.25), કેશોદના ખીરચરા ઘેડમા રહેતા કિશોર નારણભાઇ પંપાણીયા (ઉ.વ.32) અને વિસાવદરના સરસઇના અને હાલમા સુરતમા રહેતા પીયુષ રામજીભાઇ સાવલીયા (ઉ.વ.42)ની ધરપકડ કરી હતી.
પોલીસે ભરતભાઇને અપહરણકારો પાસેથી છોડાવ્યા તો ખરા પરંતુ આ ચારેય આરોપી અને ભરતભાઇનો સંપર્ક કઇ રીતે હતો. એટલુ જ નહી ચારેય આરોપીઓનો પરસ્પર શું સંબંધ હતો ? તે હજુ સ્પષ્ટ ન હોય જાણવા માટે પુછપરછ શરૂૂ કરાઇ છે.