પોરબંદર કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ નિર્દોષ
ફરિયાદી પક્ષનો કેસ યોગ્ય રીતે સાબિત નહીં કરી શકતા અદાલતે શંકાનો લાભ આપ્યો
ગુજરાતના પોરબંદરની અદાલતે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે ફરિયાદી પક્ષ શંકાથી આગળનો કેસ યોગ્ય રીતે સાબિત કરી શક્યા નથી. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ પોરબંદરના તત્કાલિન પોલીસ અધિક્ષક સંજીવ ભટ્ટને આઈપીસીની કલમો હેઠળ તેમની સામે નોંધાયેલા કેસમાં શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા.
અદાલતે જણાવ્યું હતું કે, ફરિયાદીને ગુનો કબૂલ કરવાની ફરજ પાડવામાં આવી હોવાની વાજબી શંકાની બહાર ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરી શક્યું નથી. સાથે જ ખતરનાક હથિયારો અને ધમકીઓનો ઉપયોગ કરીને આત્મસમર્પણ કરવા મજબૂર કરાયા હતા. આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે જરૂૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. નોંધનયી છે કે, ભટ્ટ અને કોન્સ્ટેબલ વજુ ચાઉ પર ભારતીય દંડ સંહિતાની કલમ 330 અને 324 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ આરોપો નારણ જાદવ નામની વ્યક્તિની ફરિયાદના આધારે લગાવવામાં આવ્યા હતા. જેમાં આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ અધિનિયમ (ટાડા) અને આર્મ્સ એક્ટ હેઠળના કેસમાં પોલીસ કસ્ટડીમાં કબૂલાત મેળવવા માટે શારીરિક અને માનસિક ત્રાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 6 જુલાઈ, 1997ના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ જાદવની ફરિયાદ પર કોર્ટના નિર્દેશને પગલે 15 એપ્રિલ, 2013ના રોજ પોરબંદર શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભટ્ટ અને વજુ ચાઉ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. જાદવ 1994ના હથિયાર રિકવરી કેસમાં 22 આરોપીઓમાંનો એક હતો.
પ્રોસિક્યુશન મુજબ, પોરબંદર પોલીસની એક ટીમ 5 જુલાઈ, 1997ના રોજ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર જાદવને પોરબંદરમાં ભટ્ટના ઘરે લઈ ગઈ હતી. જાદવને તેના પ્રાઈવેટ પાર્ટ સહિત શરીરના વિવિધ ભાગો પર ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો. જાદવના પુત્રને પણ ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો. ફરિયાદીએ બાદમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટને ટોર્ચર વિશે જાણ કરી, જેના પગલે તપાસનો આદેશ આપવામાં આવ્યા હતા. કોર્ટે પુરાવાના આધારે, 31 ડિસેમ્બર, 1998ના રોજ કેસ નોંધીને ભટ્ટ અને ચૌને સમન્સ પાઠવ્યું હતું. 15 એપ્રિલ, 2013ના રોજ કોર્ટે ભટ્ટ અને ચૌ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. ભટ્ટ 1990ના જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. માર્ચ 2024માં, રાજસ્થાનના વકીલને ફસાવવા માટે ડ્રગ્સ રાખવા સંબંધિત 1996ના કેસમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની અદાલત દ્વારા પણ પૂર્વ ઈંઙજ અધિકારીને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.