રાજકોટના કારખાનેદારની કંપનીના ડેટા પૂર્વ કર્મચારીએ હરીફને વેચી નાખ્યા
ઓટોમેટિક પેપર પ્લેટ મશીન બનાવવાનું કામ કરતા કારખાનેદારે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
લોધિકાના હરીપર તરવડા ગામે સુરભી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એશીયન એન્જીનીયરીંગ નામે કંપની ચલાવતા મૂળ લોધીકાના મોટી મેંગણી ગામનાં વતની રાજકોટમાં 80 ફૂટના રોડ પર રામેશ્વર પાર્કમાં રહેતા કારખાનેદારના પૂર્વ કર્મચારીએ ફેકટરીના ડેટા ચોરી કર્યાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કારખાનેદાર ભગવાનજીભાઈ વાલજીભાઈ પાનસુરીયા (ઉ.વ.42)એ લોધીકા પોલીસ મથકમાંનોં ધાવેલી ફરિયાદમાં કંપનીમાં એકાઉન્ટન્ટ અને માર્કેટીંગની નોકરી કરતાં સતીષ મગનભાઈ રાદડીયાએ કંપનીમાંથી ખાનગી ડેટા ઉપરાંત ગ્રાહકોના સંપર્ક સહિતનો ડેટા અન્ય કંપની સાથે શેર કરી વિશ્વાસઘાત કર્યાનું જણાવ્યું હતું. ભગવાનજીભાઈએ પોલીસને જણાવ્યું કે તેણે તેના ભાઈ અલ્પેશભાઈ સાથે કંપની ચાલુ કરી હતી. 2020માં તેણે આરોપી સતીષ અને તેના ભાઈ ધર્મેશને નોકરી પર રાખ્યા હતાં.
સતીષ કંપનીમાં એકાઉન્ટીંગ અને માર્કેટીંગનું કામ કરતો હતો. જ્યારે તેનો ભાઇ ધર્મેશ કસ્ટમર સાથે ટેલિફોનિક વાતચીત કરી ફોલોઅપ લેવાનું કામ કરતો હતો. તે કંપનીમાં પહેલા હાઇડ્રોલીક મશીન ઉપર મેન્યુઅલી કામ કરતા હતા. ત્યારબાદ 10 વર્ષથી ઓટોમેટીક પેપર પ્લેટમશીન બનાવવા કવાયત કરતા હતા.
ત્યારબાદ તેમણે 300 પેકેટનું ઉત્પાદન થઇ શકે તેવી ફુલ્લી ઓટોમેટીક મશીન બનાવ્યું હતું. તે પ્રથમ 300 પેકેટનું ઉત્પાદન થઈ શકે તેવા મશીન મેન્યુફેકચરીંગ કરતા હોવાથી તેના બદલે 1200 પેકેટ ઉત્પાદન થઈ શકે તેવા મશીનનું મેન્યુફેક્ચરીંગ કરવા માટે મશીનનો ડેટા કંપનીના કોમ્પ્યુટરમાં રાખ્યો હતો. જેકોમ્યુટર પર આરોપી સતીષ બેસતો હતો. તેણે કંપનીને જાણ કર્યા વગર આ ખાનગી ડેટા લઈ જેતપુરમાં વિપુલભાઈ પટેલ નામના શખ્સ સાથે વેસ્પા એન્જીનીયરીંગ સોલ્યુશન નામે ભાગીદારીમાં પેઢી ચાલુ કરી હતી. આ બાબતે જાણ થતા તેણે આરોપીને છુટ્ટો કરી દીધો હતો. ત્યારબાદ તેને જાણ થઈ થઈ હતી કે, આરોપીએ તેના કોમ્પ્યુટરમાંથી ગ્રાહકોના સંપર્ક અને ડેટા તેમજ ફુલ્લી ઓટોમેટીક પેપર પ્લેટ બનાવવાનો ડેટા પણ લઈ લીધો છે અને હરીફ કંપનીમાં ભાગીદારીમાં રહી કંપનીનો ડેટા શેર કર્યો છે. આ રીતે તે સાત વર્ષથી મહેનત કરી જે મશીન મશીન આરોપીએ હરીફ કંપનીમાં ડેટા લઈ બનાવી રહ્યાની જાણ થતા ફરિયાદ નોંધાવી હતી.