ભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
સ્ટાફને સુચના આપી જેસીબીથી ખાડા ખોદાવ્યા હતા, પત્ની અને સંતાનોને દફનાવવા માટે બે ડમ્પર માટી મંગાવી
પત્ની અને બાળકો ભાવનગરથી સુરત જવા નીકળ્યા જેઓ સીસીટીવીમાં કેદ થયાની ખોટી સ્ટોરી ઉભી કરી પોલીસને ગુમરાહ કરી
શહેરના કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોની નજીકથી એક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેમના બે માસૂમ બાળકોના મૃતદેહો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યા છે. આ ત્રણેય છેલ્લા 10 દિવસથી ગુમ હતા. અને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં તેઓ ઘરેથી સુરત જવાનું કહીને નીકળ્યા હતા અને ગુમ થયા હતા તેમ જણાવ્યું હતું. પરંતુ ફોરેસ્ટ અધિકારીના ઘર નજીકથી જ પરિવારના ત્રણેયના મૃતદેહો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. દરમિયાન ફરિયાદી ફોરેસ્ટ ઓફિસર જ આરોપી હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે તેની સુરત ખાતેથી અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ભાવનગર ના ફોરેસ્ટ અધિકારી શૈલેષભાઈ ખાંભલીયા ના પત્ની નયનાબેન શૈલેષભાઈ રબારી ઉ. વ. 40 અને તેમના બે બાળકો, દીકરી પૃથા શૈલેષભાઈ રબારી ઉં.વ.13 રઅને દીકરો ભવ્ય શૈલેષભાઈ રબારી ઉ. વ. 9 છેલ્લા 10 દિવસથી લાપતા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ અંગે ગત તારીખ 5 નવેમ્બરના રોજ ફોરેસ્ટ અધિકારી શૈલેષભાઈ ખાંભલીયા એ ભરતનગર પોલીસ સ્ટેશનમાં તેની પત્ની અને બે બાળકો સુરત જવા ગયા હતા પરંતુ સુરત પહોંચ્યા નથી અને ગુમ થયા છે તેવી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બે દિવસ પહેલા રબારી સમાજના આગેવાનો એ જિલ્લા પોલીસ વડાને આ અંગે રજૂઆત પણ કરી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ગઈકાલે રવિવારે પોલીસને ફોરેસ્ટ કોલોની નજીકની જમીનમાંથી દુર્ગંધ આવતી હોવાની બાતમી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શંકાસ્પદ જગ્યાએ ખોદકામ કરતાં ત્યાંથી એક પછી એક ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા, જે કોહવાઈ ગયેલી હાલતમાં હતા. મૃતદેહોની ઓળખ ગુમ થયેલ ફોરેસ્ટ અધિકારીના પરિવારજનો નયનાબેન રબારી અને તેમના બે બાળકો પૃથા અને ભવ્ય હોવાનું ખુલતા પોલીસ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. આ અંગે પોલીસે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ ખાતા ના અધિકારીઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. અને ત્રણેય મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
એક સાથે માતા અને બે બાળકોના મૃતદેહ દાટેલી હાલતમાં મળી આવતા આ ઘટના હત્યા હોવાની પ્રબળ આશંકા છે. પોલીસે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને ડોગ સ્ક્વોડ તથા ઋજક ની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂૂ કરી છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ હાલમાં આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે અને પરિવારના સભ્યો સહિત આસપાસના લોકોની પૂછપરછ શરૂૂ કરી દીધી છે. આ સનસનાટીભર્યા કેસમાં આજે નવો ધડાકો થયો છે. બનાવના ત્રણ દિવસ પૂર્વે જ ફોરેસ્ટ વિભાગના અધિકારીને સૂચના આપી ખાડા કરાવ્યા હતા તેમજ માટી ઓછી પડતા આરોપી શૈલેષ બે ડમ્પર માટી પણ મંગાવી હતી . તેમજ પોલીસ તપાસમા સાથે રહી પોલીસને ગુમરાહ કરવા કહયુ કે પત્ની અને બંને સંતાનો ભાવનગરથી સુરત જવા નીકળ્યા છે . જેઓ સીસીટીવીમા દેખાયા હતા.