મુળીના સરલાના ફોરેસ્ટ કર્મચારી પર બાઈક સાઈડમાં લેવાના મુદ્દે 15 લોકોનો હુમલો
બે સ્કોર્પિયો અને અન્ય કારમાં આવી શખ્સોએ બાઈક સાથે અકસ્માત સર્જ્યો
મૂળી તાલુકાના સરલા ગામના અને હાલ ધાંગધ્રા નોર્મલ ફોરેસ્ટમાં ફરજ બજાવતા યુવક નોકરી પૂર્ણ કરી સરલા આવી રહ્યા હતા. ત્યારે કળમાદ રોડ પર એક યુવક સાથે રોંગ સાઇડમાં વાહન ચલાવવા બાબતે ઝઘડો થયેલ જેનું દુ:ખ રાખી કળમાદના 5 શખસ અને અન્ય અજાણ્યા 10 જેટલા લોકોએ 3 કાર લઇ આવી યુવકને મારી નાંખવાનો પ્રયાસ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઇ છે.
મૂળીના સરલા ગામે રહેતા પ્રતાપસિંહ ગગજીભાઇ સોલંકી ધ્રાંગધ્રાની સિતાપુર રેન્જમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવે છે. જેઓ રવિવારે નોકરી પૂર્ણ કરી મોટરસાઇકલ લઇ સરલા આવી રહ્યા હતા. ત્યારે કળમાદ ગામે પહોંચતા રોંગસાઇડમાં અરજણભાઇ વાધાભાઇ રોજીયા અને એક અજાણ્યો શખસ મોટરસાઇકલ સામું આવવા જઇ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો અને કાઠલો પકડેલ તે સમયે સ્થાનિકો ભેગા થઇ જતા અરજણભાઇ રોજીયા ત્યાંથી જતા રહ્યા અને કહેતા ગયેલ કે આજે તો તને પતાવી દેવો છે.
બાદમાં સાંજના સમયે સરલા ગામે અરજણભાઇ વાધાભાઇ રોજીયા, ઇશાભાઇ વીહાભાઇ રબારી, ગોપાલભાઇ મેરૂૂભાઇ રબારી, પ્રવિણભાઇ સુરાભાઇ રબારી, ગભરૂૂભાઇ કરશનભાઇ રબારી તેમજ અન્ય 10 જેટલા અજાણ્યા માણસો ભેગા મળી ગેરકાયદે મંડળી રચી 2 સ્કોર્પીયો કાર અને 1 સ્વિફ્ટમાં આવી પ્રતાપસિંહ સોલંકીના મોટરસાઇકલ સાથે ભટકાડી કુંડલીવાળી લાકડી ધારણ કરી મારવાના ઇરાદે પાછળ પડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.