ધારીના મીઠાપુર ડુંગરીમાં સરકારી રાહત દરની દુકાનનો 7.22 લાખનો અનાજનો જથ્થો ઝડપાયો
ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામે એક ગોડાઉનમાં વ્યાજબી ભાવની દુકાનમાં જરૂૂરિયાતમંદ લોકોને આપવાનો અનાજનો જથ્થો હોવાની બાતમીના આધારે તંત્રએ તપાસ કરતા અહીંથી ઘઉં અને ચોખાનો રૂૂપિયા 7.22 લાખનો જથ્થો ઝડપાતા તંત્ર દ્વારા તેને સિઝ કરી દેવાયો છે.
ધારીના પ્રાંત અધિકારી હર્ષવધન જાડેજાને મળેલ બાતમી આધારે ધારી મામલતદાર સંજયસિંહ ગોહીલ, નાયબ મામલતદાર પુરવઠા એમ.એ. શેખ તથા રેવન્યુ તલાટી લલીત ખુમાણ દ્વારા ધારી તાલુકાના મિઠાપુર ડુંગરી ખાતે ચલાલા બગસરા રોડ પાસે ખોડીયાર ટ્રેડિંગ નામના ગોડાઉન પર તપાસ કરવામાં આવી હતી. અહીં સરકારી વાજબી ભાવની દુકાન પરથી વિતરણ થતા ઘઉંના 62 કટ્ટા તથા ચોખાના 144 કટ્ટા મળી આવ્યા હતા.
જેમાં ઘઉં કુલ કિગ્રા- 3090 તથા કિંમત 83430 તથા ચોખા કુલ કિગ્રા-9970 તથા કિંમત-388830નો જથ્થો મળ્યો હતો. તેમજ એક કેરી વાહન (રીક્ષા) જેની અંદાજીત કિંમત રુ250000 મળી કુલ 722260નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. હજુ થોડા સમય પહેલા ખાંભા પંથકમાં પણ જુદા જુદા બે સ્થળેથી આ રીતે વ્યાજબી ભાવની દુકાનનો જથ્થો ઝડપાયો હતો.