ભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયા
8880 રોકડ અને કાર સાથે 1,73,800નો મુદ્દામાલ કબજે
ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેર સભા દરમ્યાન સભામાં આવેલા લોકો પાસેથી મોબાઈલ, રોકડા અને પર્સ સહીતની વસ્તુઓની ચોરી કરતા પાંચ શખ્સોને એલસીબીએ શહેરના ક્રેસન્ટ વિસ્તારમાંથી રોકડા રૂૂ. 8,880 અને કાર મળી કુલ 1,73, 800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલસીબી પોલીસે શહેરના ક્રેસન્ટ વિસ્તારમાંથી બાતમીના આધારે હુંડાઈ કાર નં. જીજે-02 એપી 7097માં રહેલા અસ્ફાક અહેમદખાન હનીફખાન પઠાણ (ઉં.વ.36, રહે. મણિનગર, અમદાવાદ), સરફરાજ અહેમદ મહંમદયુનુસ અન્સારી (ઉં.વ.28, રહે. ભૈરવનાથ રોડ, મણિનગર, અમદાવાદ), અરબાઝખાન ઉર્ફે યુનુસ નાસીરખાન પઠાણ (ઉં.વ.27, રહે.આઈશાબીબીની ચાલી, મણિનગર,અમદાવાદ), સુહાન અબ્દુલકાદર ખોખર (ઉં.વ.18, રહે. મસ્જીદ પાછળ, મણિનગર) તેમજ ઈરફાન શફીભાઈ મલેક (ઉં.વ.31, રહે. એક્તાનગરના છાપરા, દાણીલીમડા, અમદાવાદ)ને મોબાઈલ, રોકડ સહીત ઝડપી લઈ પુછપરછ કરતા તમામે ગઈ તા.20 શહેરના જવાહર મેદાન ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેર સભામાં આવેલા લોકો પાસેથી મોબાઈલ તેમજ પાકીટ અને રોકડની ચોરી કર્યાની કબુલાત આપતા રોકડા રૂૂ. 8,880 અને કાર મળી કુલ રૂૂા. 1,73, 800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પોલીસના પી.આઈ.આર વાળા તથા સ્ટાફ જોડાયો હતો.