હાઇવે પર જોખમી સ્ટંટ સાથેની બાઇક રેસ લગાવનારા પાંચ સ્ટંટબાજ બાઈકર્સ ઝડપાયા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટીયા થી બેડના ટોલનાકા સુધીની જોખમી રેસ લગાવનારા પાંચ બાઈકર્સ ને બેડ ટોલનાકેથી પોલીસે ઝડપી લીધા છે. માત્ર 100 રૂૂપિયા ની લ્હાયમાં જીવના જોખમે સ્ટન્ટ કરનારા બાઈક સવાર રેસ પૂરી કરે, તે પહેલાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જે તમામ સામે સિક્કા પોલીસ મથકમાં જુગાર ધારા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જામનગર ના સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ-સિક્કા આસપાસના કેટલાક બાઈક સવાર પોતાનું બાઈક લઈને એકત્ર થયા છે, અને માત્ર 100 રૂૂપિયા જેવી શરતનો દાવ લગાવીને સરમતના પાટિયાથી બેડના ટોલનાકા સુધીની શરત સાથેની રેસ નો સ્ટંટ કરી રહ્યા છે.
જે બાતમીના આધારે ગઈકાલે સિક્કા પોલીસ સ્ટેશન ના સ્ટાફે બેડના ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન પાંચ બાઈક સવાર એકદમ ફૂલ સ્પીડમાં અને ચાલુ બાઈકે સ્ટંટ કરીને આવતા જોવા મળ્યા હતા. જેથી પાંચેયની અટકાયત કરી લઈ તેઓના બાઈક કબજે કરી લેવામાં આવ્યા હતા. પોલીસે જે પાંચેય બાઈકર્સ ની અટકાયત કરી હતી, તેમાં બેડ ગામના નૂરમામદ અનવરભાઈ ગાધ, નવાઝ જાકુબભાઈ હૂંદડા, સિક્કા ગામના આસિફ અલીભાઈ વાઘેર, સોહીલ ઇસ્માઈલભાઈ સુંભણીયા અને બેડમાં રહેતા આબિદ કરીમભાઈ વાઘેર ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
જે પાંચેય બાઇકર્સએ માત્ર 100 રૂૂપિયાની શરત લગાવી હતી, અને બેડના ટોલનાકે પહોંચવા માટેની શરત મૂકી હતી. જેઓ પોતાનો સ્ટંટ પૂર્ણ કરે તે પહેલા સિક્કા પોલીસે દબોચી લીધા હતા. સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવાએ તમામ બાઈક સવાર સામે જુગાર ધારા તથા અન્ય અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે ગુનામાં પાંચેય બાઇક સવારની અટકાયત કરી લેવામાં આવી છે.