દામનગરમાં પ્રેમલગ્ન કરનાર પુત્રીનું પિતા સહિત પાંચ શખ્સોએ અપહરણ કર્યું
સુરતમાં રહેતી એક યુવતિએ દામનગરના હજીરાધાર ગામે રહેતા યુવાન સાથે ગત મહિને પ્રેમ લગ્ન કર્યા હોય તેના પિતા સહિત પાંચ શખ્સો ગઈકાલે કાર લઈ દામનગર દોડી આવ્યા હતા અને પુત્રીનું તેના પતિની નજર સામે જ અપહરણ કરી લઈ ગયા હતા. બનાવ અંગે દામનગર તાલુકાના હજીરાધાર ગામે રહેતા મનહરભાઈ પ્રવિણભાઈ મકવાણા નામના યુવાને આ બારામાં સુરતના મોટા વરાસામાં ગોલ્ડન સીટીમાં રહેતા વિપુલભાઈ લવજીભાઈ કાકડીયા સામે દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેણે જણાવ્યું છે કે વિપુલભાઈની પુત્રી પલક સાથે તેણે ગત તારીખ 18-8 રોજ ગોંડલના પંચનાથ મહાદેવ મંદિર ખાતે પ્રેમ લગ્ન કર્યા હતા અને તારીખ 19ના રોજ ગોંડલ નગરપાલિકા ખાતે લગ્નની નોંધણી પણ કરાવી હતી. દરમિયાન ગઈકાલે સાંજના સમયે મનહર મકવાણા અને તેમની પત્નિ પલક હજીરાધારથી દામનગર રોડ પર હતા ત્યારે પલકના પિતા અને ચાર અજાણ્યા શખ્સો કારમાં ત્યા ધસી આવ્યા હતા અને મનહર મકવાણાને ધક્કો મારી પછાડી દઈ પોતાની પુત્રીને કારમાં બળજબળીથી બેસાડી અપહરણ કરી નાસી ગયા હતા. જે અંગે દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પીઆઈ આર.વાય.રાવળ તપાસ ચલાવી રહ્યા છે.