મોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલો
મોરબીમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતાં યુવાનને ગાળો ભાંડી ‘તારે થાય તે કરી લેજે’ તેવી ધમકી મારી પિતા-પુત્ર સહિતના પાંચ શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતાં કિશોરભાઈ ડાયાભાઈ શેખવા નામનો 24 વર્ષનો યુવાન રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે હિતેશ મકવાણા તેના પિતા સહિતના પાંચ શખ્સોએ ઝઘડો કરી ઈંટ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર હિતેશના પિતા કિશોર શેખવાના ઘરે ધસી જઈ બિભત્સ ગાળો ભાંડી હતી. બાદમાં હિતેશે ફોન કરીને ગાળો આપી હતી અને ‘તારે થાય તે કરી લેજે’ તેમ કહી ધરે ધસી આવ્યો હતો અને હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
