ગીરનારના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ભાજપના કોર્પોરેટર સહિત પાંચ પકડાયા
જૂનાગઢ વન વિભાગે 1.25 લાખનો દંડ ફટકાર્યો
જૂનાગઢ જિલ્લાના વન વિભાગ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શનના બનાવ રોકવા માટે વિશેષ સતર્કતા અપનાવવામાં આવી છે.જાહેર તહેવારોના નિમિત્તે બહારથી આવતા પર્યટકો અને સ્થાનિક લોકો દ્વારા વન વિસ્તારોમાં અનધિકૃત પ્રવેશ કરીને એશિયાટિક સિંહોનું દર્શન કરવાના કિસ્સા વધ્યા છે.જે વન્યજીવોની સુરક્ષા માટે જોખમી છે.આવા બનાવોને અટકાવવા જૂનાગઢ વન વિભાગે વિવિધ ટીમોની રચના કરી છે અને દિવસ-રાત પેટ્રોલિંગ વધારી દીધું છે.
ગત રાત્રે તા.25 ઓક્ટોબર 2025ના રોજ રામનાથ ફોરેસ્ટર અને ડુંગરપુર ફોરેસ્ટર તથા તેમની ટીમ દ્વારા રાત્રી પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઝડપાયેલા પાંચેય વ્યક્તિઓમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.2ના ભાજપ કોર્પોરેટર સહબાઝખાન અયુબખાન બ્લોચ , હુસેન સિદ્દિકભાઈ મલેક (રહે. જામનગર), પરવેઝ ઇકબાલ મલેક (રહે. ભુજ), કયુમ હનીફ જેઠવા (રહે. જૂનાગઢ) અને સાકીર સાજીદ મલેક (રહે.જૂનાગઢ)ની અટકાયત કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે,આ વ્યક્તિઓ વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. તેમની પાસેથી કુલ 1.25 લાખ રૂૂપિયાનો રિકવરી પેટે દંડ વસૂલ કરવામાં આવ્યો છે.અમે તહેવારોના સમયે પેટ્રોલિંગ વધારીએ છીએ જેથી આવા બનાવો ન બને.આ કાર્યવાહી વન વિભાગના સતત પ્રયાસોનું પરિણામ છે.વન વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ માત્ર માન્યતા પ્રાપ્ત સફારી દ્વારા જ સિંહોના દર્શન કરે અને અનધિકૃત વિસ્તારોમાં પ્રવેશ ન કરે.આગામી દિવસોમાં પણ પેટ્રોલિંગ વધુ મજબૂત કરવામાં આવશે, જેથી વન્યજીવોની સુરક્ષા અને પર્યટકોની સુરક્ષા બંનેનું ધ્યાન રાખી શકાય.
આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપ વોર્ડ નં -2ના કોર્પોરેટર સહબાઝખાન બ્લોચે જણાવ્યું હતું કે, હુ મારા બનેવી સાથે ખડિયા ગોળા ખાવા માટે જતા હતા.તે સમયે રસ્તામાં માણસોનું ટોળું હતું,આ ટોળું જોતા અમે ગાડી લઈને ઉભા રહ્યા.અમે કોઈ ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયા નહોતા અને અમે ક્યાય જંગલ વિસ્તારમાં અંદર નહોતા. મારો ફોન પણ ચેક કરવામાં આવ્યો તેમાં પણ કોઈ પ્રકારની અમે સિંહ પજવણી કરી હોય તે પ્રૂફ થયું નથી.અમારી સાથે અન્ય કોઈ અજાણ્યી વ્યક્તિ હતી જેના ફોનમાંથી સિંહના વિડીયો મળ્યા હતા. અમે સિંહ દર્શન માટે નહોતા ગયા અમને ખોટો દંડ કરવામાં આવ્યો છે.
