વાંકાનેરમાં પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સોનો લાકડીથી હુમલો
વાંકનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં દુકાને વસ્તુ લેવા ગયેલા યુવાને દૂર ઉભા રહેવાનું કહેતા યુવાનને ગાળોભાંડી પાંચ શખ્સોએ લાકડી વડે પિતા-પુત્રને માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતા વિષ્ણુ ચીનાભાઇ કડીવાલ (ઉ.વ.25) અને તેના પિતા ચીનાભાઇ જેમાભાઇ કડીવાલ (ઉ.વ.65) બપોરના અરસામાં પોતાના ઘર પાસે હતા. ત્યારે દેવાંગ, જાદવ અને મનોજ સહિતના અજાણયા શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલા કરવામાં આવ્યા હતા.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પૂછપરછમાં ઇજાગ્રસ્ત વિષ્ણુ કડીવાલ કરીયાણાની દુકાને વસ્તુલેવા ગયો હતો. ત્યારે હુમલાખોર દેવાંગ ત્યા વચ્ચે ઉભો હતો. જેથી વિષ્ણુ કડીવાલે દૂર જવાનું કહેતા થયેલી બોલાચાલીમાં પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.