પ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયા
હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી, ઇજાગ્રસ્ત યુવાનની 4 કલાક સુધી સર્જરી ચાલી
પાટડીના ખારાઘોડામાં રહેતા યુવાનને વિરમગામ હોસ્પિટલે ખસેડાયો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના સ્ટેશન ખાતે એક યુવાન પર ફાયરિંગની ઘટના બની છે. બાર બોરની બંદૂકથી ફાયરિંગ થતાં યુવાનને પેટ અને સાથળના ભાગે ગોળી વાગતાં તાત્કાલિક પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે.
આ ઘટના ખારાઘોડા સ્ટેશન નજીક દવાખાના પાસે બની હતી. દેગામના સિરાજખાન જતમલેક નામના શખ્સે તેની પ્રેમિકા સાથેના ઝઘડાના મનદુ:ખના કારણે ખારાઘોડાના સલાભાઈ નામના યુવાન પર બાર બોરની બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. ફાયરિંગના કારણે સલાભાઈ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. 108ના ઈએમટી અને પાયલોટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર આપી પાટડી સરકારી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ત્યાંથી ફરજ પરના તબીબે તેને વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે રીફર કર્યો હતો.
આ ફાયરિંગની ઘટનાના પગલે ખારાઘોડામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાટડી પીઆઇ બી.સી.છત્રાલીયા સહિતનો પોલીસ સ્ટાફ વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પાટડી પોલીસ ઇન્સ્પેક્ટર બી. સી. છત્રાલીયાએ જણાવ્યું હતું કે, આ બનાવમાં જે આરોપીએ ફાયરિંગ કર્યું એની પ્રેમિકા સાથે ઇજાગ્રસ્ત યુવાનની માતા અને બહેન સાથે આઠ મહિના અગાઉ ઝગડો થયો હતો, એનું મનદુ:ખ રાખીને આરોપીએ આજે ફાયરિંગ કર્યું હતું. હાલ ઈજાગ્રસ્ત યુવાન વિરમગામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હાલ આરોપી વિરુદ્ધ 307 અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું કે, આ યુવાનના શરીરમાં પીઠના ભાગે 35થી વધુ છરાઓ ઘૂસી ગયા છે, આથી અંદાજે એના પર ચારેક કલાક જેટલી સર્જરી ચાલશે, બીજી બાજુ પોલીસે આ ગંભીર યુવાનના નિવેદનના પગલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ફાયરિંગની ઘટનાના પગલે સમગ્ર પાટડી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.