મોરબીના અગ્રણી બિલ્ડરના પુત્ર પર માળિયાના મોટા દહિંસરા નજીક ફાયરીંગ
મોરબીના જાણીતા બિલ્ડર અને અગ્રણીના પુત્ર ઉપર માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા નજીક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જો કે, ક્યાં કારણોસર ફાયરિંગ થયું છે તે અંગેની કોઈ વિગતો સામે આવી ન હોવાનું તેમજ ફાયરિંગની ઘટનામાં ત્રણ-ત્રણ ગોળીઓ વાગ્યા બાદ પણ યુવાને હિંમત કરી ગાડી હંકારી મોરબીના ખાખરાળા ગામ સુધી પહોંચી ગયો હતો. જ્યાં સગાવહાલાઓને જાણ કરી દેતા ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ મંગળવારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના પાટિયા નજીક કારમાં આવી રહેલા મૂળ હજનાળીના વતની અને હાલમાં મોરબી રહેતા જાણીતા બિલ્ડર અને અગ્રણીના પુત્ર તરુણભાઈ હંસરાજભાઈ ગામી ઉ.44 ઉપર અજાણ્યા શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરતા ઈજાગ્રસ્ત હાલતમાં તરુણભાઈએ ગાડી હંકારી મુકી હતી. જો કે, મોરબીના ખાખરાળાં ગામ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા યુવાનની કાર બંધ પડી જતા સગાવ્હાલાઓને ફોન કરતા સગાવહાલાઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ આ ગંભીર ઘટનામાં હજુ સુધી માળીયા મિયાણા પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું અને પીઆઈનો ફોન નો-રીપ્લાય થતો હોવાનું સામે આવ્યું છે. દરમિયાન મોરબીના યુવાન ઉપર અજાણ્યા હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં ત્રણેક ગોળી લાગી હોવાનું અને હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સઘન સારવારમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.