ઉનામાં અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોતના મામલે નાયરા પેટ્રોલપંપના સંચાલક સામે એફઆઇઆર
ઊના નજીક સીમાસી ગામ પાસે 28 જાન્યુઆરીએ થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત મામલે મોટો ખુલાસો થયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાના આદેશથી કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી, ભાવનગર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અકસ્માત સ્થળ નજીક આવેલા નાયરા પેટ્રોલ પંપના માલિક અને સંચાલકે પોતાના વ્યવસાયિક ફાયદા માટે હાઈવે પરનો ડિવાઈડર તોડી નાખ્યો હતો. આ ગેરકાયદેસર કૃત્યના કારણે જ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યા હતા.
જિલ્લા મેજિસ્ટ્રેટે આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સખત કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. જેના પગલે ગુરુવારે ઊના પોલીસ સ્ટેશનમાં નાયરા પેટ્રોલ પંપના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂૂ કરી છે. આ ઘટના દર્શાવે છે કે વ્યક્તિગત આર્થિક લાભ માટે કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેવી જાનલેવા પરિણામો લાવી શકે છે.