મોરબીના મકનસરમાં પોસ્ટમોર્ટમ વગર અંતિમવિધિ કરનાર પતિ સહિત ચાર સામે FIR
મોરબીના મકનસર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં મહિલાને ઈજા થઈ હતી અને તેને મોરબીથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા. ત્યાંથી તે મહિલાને વતનમાં લઈ ગયા હતા અને ત્યાં તે મહિલાનું મોત નીપજયું હતું. જો કે, મહિલાનું પીએમ કરાવ્યા વગર જ તેના પરિવારે તે મહિલાની અંતિમવિધિ કરી નાખી હતી. જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના પતિ સહિત કુલ ચાર વ્યક્તિ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.
મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પીપળી ગામ પાસે મારુતિ પાર્કમાં રહેતા દિલીપ રતિલાલ મુનિયાના પત્ની ઉષાબેન દિલીપભાઈ મુનિયા (ઉ.31)નું ગત તા. 27/10/24 ના રોજ સવારે પોણા છ વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર મકનસર ગામ પાસે આવેલ સનસાઇન સ્કૂલ પાસે અકસ્માત થયું હતું. આ બનાવમાં મહિલાને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા.
ત્યાર બાદ તે મહિલાને વતનમાં લઈ ગયા હતા અને ત્યાં મહિલાનું મોત નીપજ્યું હતું. જોકે મહિલાનું પીએમ કરાવ્યા વગર મૃતક મહિલાની અંતિમવિધિ કરી નાખવામાં આવી હતી. જેથી હાલમાં મૃતકના પતિ દિલીપ રતિલાલભાઈ મુનિયા, સસરા રતિલાલ બલુભાઈ મુનિયા અને સાસુ મણીબેન રતિલાલ મુનિયા રહે.બંને મોરવા હડફ પંચમહાલ તથા જીગ્નેશ અમરશીભાઈ રહે. પંચમહાલવાળાની સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા ચલાવી રહ્યા છે.