12 વર્ષ પહેલાંની ફરિયાદનો ખાર રાખી લક્ષ્મીનગરના યુવાન પર પિતા-પુત્રનો હુમલો
શહેરના લક્ષ્મીનગરમાં 12 વર્ષ અગાઉ થયેલી માથાકુટમાં ઘરની બહાર ઉભી પાડોશી સાથે વાતચીત કરતા યુવાન પર પિતા-પુત્ર સહીત ત્રણે હુમલો કરતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો છે. આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નાનામવા રોડ લક્ષ્મીનગર શેરી નં.2માં મદીના મસ્જીદની સામે રહેતા તૌફીકભાઇ જાહીદભાઇ ઓડીયા (ઉ.વ.32)એ કૌટુંબીક સમીર ઇકબાલ ઠાસરીયા, વસીમ ઇકબાલ ઠાસરીયા અને ઇકબાલ અલારખા ઠાસરીયાનું નામ આપતા તેમની સામે પોલીસમાં ફરીયાદ નોંધવામાન આવતા માલવીયા પોલીસના હેડ કોન્સ્ટેબલ સી.કે. ઝાલા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.
તૌફીકભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ ભક્તિનગર રેલવે સ્ટેશન રોડ પર આવેલ સુઝુકી નામની કંપનીમાં એડવાઇઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાત્રીના સમયે ઘરે હતા ત્યારે ઘરની બહાર ભત્રીજા અમન સાથે તેઓ વાતચીત કરતા હતા ત્યારે ત્યાં પાડોસમાં જ રહેતા કૌટુંબીક સંબંધી અમીર ઠાસરીયા અચાનક ત્યાં આવી 12 વર્ષ પુર્વે થયેલી ફરીયાદનો ખાર રાખી છરી ઝીંકી હતી અને બાદમાં સમીરનો સગો ભાઇ વસીમ અને તેમના પિતા ઇકબાલભાઇ પણ ત્યાં આવી ગયા હતા અને તૌફીકભાઇને માર માર્યો હતો. બાદમાં ત્યાં લોકો એકઠા થઇ જતા આરોપી ભાગી ગયા હતા અને તૌફીકભાઇને ઘવાયેલી હાલતમાં અહીંની સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસમાં ગુનો નોંધવામાં આવતા આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.