70 વર્ષના પિતાને બીજા લગ્ન કરવાની ના પાડતા પુત્રની ફાયરિંગ કરી હત્યા
જસદણમાં 70 વર્ષના પિતાને બીજા લગ્ન કરવાની ના પડતા જે બાબતે પિતા-પુત્ર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી થયા બાદ પિતાએ તેના સગા પુત્ર ઉપર પિસ્તોલ માંથી ફાયરીંગ કરી હત્યા કરી નાખતા કાઠી ક્ષત્રીય સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ હત્યાના બનાવમાં જસદણ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા પિતાની ધરપકડ કરી હતી.જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા અને સેવાભાવી કાઠી ક્ષત્રીય આગેવાન પ્રતાપભાઈ રામકુભાઈ બોરીચા(ઉ.વ.52) અને તેના પિતા રામકુભાઈ આલેકભાઈ બોરીચા બે રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરી નાખી હોય આ મામલે મૃતકના પત્ની જયાબેને જસદણ પોલીસમાં હત્યારા સસરા રામકુભાઈ બોરીચા સામે પોલીસમાં ફરિયાદ નોંધવી હતી. સસરા રામકુભાઈને બીજા લગ્ન કરવા હોય પતિ પ્રતાપભાઈ જણાવતા હતા કે હવે તમે આ ઉંમરે બીજા લગ્ન કરો તો ઘરની આબરૃ જાય જેથી પરિવારના સભ્યો બીજા લગ્ન કરવાની ના પાડતા હતા આ બાબતે સસરા રામકુભાઈ અને પતિ પ્રતાપભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ રામકુભાઈએ પિસ્તોલ જેવા હથીયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરી શરીરે ગંભીર ઇજા કરી તેમનું મોત નીપજાવ્યું હતું.
પોતાના જ પુત્ર ઉપર ફાયરિંગ કરી હત્યા કર્યા બાદ આરોપી રામકુભાઈ જાણે કંઈ જ બન્યું ન હોવાનું અને લેસ માત્ર પસ્તાવો કર્યા વગર સૂઈ ગયા હતા. ઘટના અંગે જયાબેનના જાણ થતા તેમણે આ બાબતે પરિવારને અન્ય સભ્યોને જાણ કરી હતી અને પ્રતાપભાઈને હોસ્પિટલે લઈ જવા કુટુંબીજનો આવ્યા ત્યારે પણ રામકુભાઈ ઘરે સુતા જ હતા.
પોલીસને જાણ થયા બાદ પોલીસ જયારે ઘરે પહોચી ત્યારે પણ રામકુભાઈ અને તેમને ઘેરથી જ લઈ ગઈ હતી ત્યારે પણ તેઓ સુતા જ હતા. પ્રતાપભાઈના મોતથી કાઠી ક્ષત્રિય સમાજમાં શોક છવાઈ ગયો હતો. આ હત્યાના બનાવમાં જસદણ પોલીસે ગણતરીની કલાકોમાં જ સગા પુત્રની હત્યા નીપજાવનાર રામકુભાઈની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જસદણના સેવાભાવી યુવાનની હત્યાના બનાવથી શહેરભરમાં અરેરાટી છવાઈ ગઈ હતી. આ બનાવમાં મૃત્યુ પામનાર પ્રતાપભાઈ બોરીચાને સંતાનમાં એક પુત્ર છે અને તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. જમીન વાવવાની સામાન્ય બાબતમાં પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારી દેતા જસદણ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. મૃતક પોતાના સમાજ તથા શહેરમાં સામાજીક કાર્યકર તરીકે બહોળી નામના ધરાવતા હતા.