સંતકબીર રોડ પર પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાનને પિતા અને ભાઈએ માર માર્યો
શહેેરમાં સંતકબીર રોડ પર ત્રિવેણી ગેઈટ પાસે પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાન ઉપર પિતા અને ભાઈએ હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સંતકબીર રોડ પર ત્રિવેણી ગેઈટ સામે રહેતાં વિજય મુકેશભાઈ સોલંકી (ઉ.30)ને તેનાં પિતા મુકેશ અને ભાઈ અજયે ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મુકેશ સોલંકીની પત્નીને હુમલાખોર પિતા અને ભાઈ ગાળો ભાંડતા હતાં. જેથી વિજય સોલંકીએ ગાળો દેવાની ના પાડતા માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં નવા થોરાળામાં રહેતી પિન્ટુબેન શૈલેષભાઈ પરમાર નામની 24 વર્ષની યુવતી મધરાત્રે પોતાના ઘર પાસે હતી ત્યારે પારસ નામના શખ્સે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધો હતો. જ્યારે બીજા બનાવમાં થાનમાં રહેતો નિતીનભાઈ રામજીભાઈ રાઠોડ (ઉ.46) ગ્રીનલેન્ડ ચોકડી પાસે બગીચા અંદર હતો ત્યારે મુકેશ નામના શખ્સે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલી યુવતી અને પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
