સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે બિરલા સોલાર પ્લાન્ટ દ્વારા બંધ કરાયેલો ખેડૂતોનો રસ્તો કોર્ટના હુકમથી ખુલ્યો
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આદિત્ય બિરલા સોલાર પ્લાન્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી ખેડૂતોનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડતું હતું.
આખરે, નામદાર મામલતદાર કોર્ટ એક્ટની કલમ 5 મુજબ, મામલતદાર સાહેબ તેમજ ડેપ્યુટી કલેક્ટર સાહેબની કોર્ટ દ્વારા આ રસ્તો ખોલવાનો હુકમ કરવામાં આવ્યો. આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળી છે.
ખેડૂતોના એડવોકેટ તરીકે કેતનભાઈ ખુમાણે આ મામલે મહત્વની ભૂમિકા ભજવી. તેમણે પોતાની કાયદાકીય તજજ્ઞતા દ્વારા આદિત્ય બિરલા કંપની સામે ચાર અલગ-અલગ કેસોમાં ખેડૂતોની તરફેણમાં ઓર્ડર મેળવીને ન્યાય અપાવ્યો. કોર્ટના હુકમનું પાલન કરાવવા માટે નાયબ મામલતદાર કાતરીયા દ્વારા કંપનીએ રસ્તામાં કરેલા દબાણને દૂર કરાવી, રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો.
આશરે ત્રણ વર્ષથી ખેડૂતો નદીમાંથી જોખમ ઉઠાવીને ખેતરોમાં જતા હતા.
રસ્તો ખુલવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે અને તેમણે સત્યમેવ જયતેના નારા લગાવીને ન્યાયની જીતની ઉજવણી કરી. આ નિર્ણય ખેડૂતોના હક્કોની રક્ષા અને ન્યાયની સ્થાપના માટે એક મહત્વનું પગલું છે.
આ સફળતા એડવોકેટ કેતનભાઈ ખુમાણની કાયદાકીય કુશળતા અને ખેડૂતોની ન્યાય માટેની લડતનું પરિણામ છે.