મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ઉપર હુમલા
પહેલગામ હુમલા અંગે નિવેદન બાદ મામલો બિચક્યો
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ દરમ્યાન કિસાન નેતા રાકેશ ટિકૈત સાથે ધક્કા મુક્કી પણ થઈ અને તેમના માથામાંથી પાઘડી પણ પડી ગઈ હતી. એટલું જ નહીં રાકેશ ટિકૈતના માથા પર લાકડી મારી હોવાનો
પણ આરોપ છે, આ હોબાળા વચ્ચે પોલીસે રાકેશ ટિકૈતને સુરક્ષિત કાઢ્યા હતા.
ખેડૂત નેતા રાકેશ ટિકૈત સામે વિરોધ એવા સમયે થયો છે જ્યારે રાકેશ ટિકૈતે પહલગામ હુમલા અંગે નિવેદન આપ્યું હતું. તેમના નિવેદનનો ઘણો વિરોધ થયો હતો અને હિન્દુ સંગઠનો આ નિવેદનથી ખૂબ ગુસ્સે થયા હતા.
આ કાર્યક્રમ મુઝફ્ફરનગરના સિટી કોતવાલી વિસ્તારના ટાઉન હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન વિરુદ્ધ એક વિશાળ જાહેર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાન વિરુદ્ધ અહીં હિન્દુઓનો મોટો ટોળો એકઠો થયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના રહેવાસીઓની સાથે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના લોકોએ પણ ભાગ લીધો હતો. આ જનઆક્રોશ રેલી દરમિયાન, ઇઊંઞ નેતા રાકેશ ટિકૈતનો ભારે વિરોધ થયો હતો અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત સાથે ઝપાઝપી પણ થઈ હતી. તે જ સમયે, જાહેર આક્રોશ રેલી દરમિયાન થયેલી ઝપાઝપી બાદ ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત રહ્યો.
અહીં ઉલ્લેખનિય છે કે, રાકેશ ટિકૈતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે એવું નિવેદન આપ્યું હતું જેનો ભારે વિરોધ થયો હતો. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આ ઘટનાથી કોને ફાયદો થઈ રહ્યો છે? ચોર તમારામાં છે, પાકિસ્તાનમાં નહીં. કોણ હિન્દુ-મુસ્લિમ મુદ્દો ઉભો કરી રહ્યું છે, તેનો જવાબ ફક્ત તેની પાસે જ છે. રાકેશ ટિકૈતના આ નિવેદનમાં, તેમણે હુમલા પાછળ આંતરિક ષડયંત્રનો સંકેત આપ્યો હતો.