ખાંભા નજીક સગાઇ પ્રસંગમાં જતા પરિવારની પિકઅપવાન ખાડામાં ખાબકી, 20 લોકો ઇજાગ્રસ્ત
પરિવાર રબારિકા ગામે જઇ રહ્યો હતો: ઇજાગ્રસ્તોને અમરેલીની હોસ્પિટલમાં રીફર કરાયા
ખાંભા તાલુકાના રબારીકા ગામે રહેતો એક પરિવાર સગાઇ પ્રસંગમા પીકઅપ વાહનમા ખડાધાર જઇ રહ્યો હતો ત્યારે ખડાધાર નજીક પીકઅપ વાહન પલટી ખાઇ જતા 20 લોકોને ઇજા પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યાં હતા.પીકઅપ વાહન પલટી ખાઇ ગયાની આ ઘટના ખાંભા તાલુકાના ખડાધાર નજીક બની હતી. અહીના રબારીકામા રહેતા ગોવિંદભાઇ મોહનભાઇ પરમાર સહિત 30થી વધુ લોકો સગાઇ પ્રસંગમા રબારીકા ગામથી પીકઅપ વાહનમા બેસીને ખડાધાર ગામે જઇ રહ્યાં હતા. ત્યારે ઉના રોડ પર ખડાધાર નજીક અચાનક પીકઅપ વાહનમા ગુટકો તુટી જતા પલટી ખાઇ ગયુ હતુ.
અકસ્માત સર્જાતા પીકઅપ વાહનમા બેઠેલા 20થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. તમામને પ્રથમ સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાંથી આઠ લોકો વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમા રીફર કરાયા હતા. ઘટનાની જાણ થતા ખાંભા પોલીસ અહી દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.