ભેસાણ પોલીસ મથકમાં પીધેલાને છોડાવવા પરિવારે માથાકૂટ કરી, જમાદારને ફડાકો ઝીંકી દીધો
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક એવી ઘટના સામે આવી જેમાં દારુ પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનમાં આવેલા શખ્સને પોલીસ પકડીને ગુનો નોધ્યો હતો, તેને છોડાવવા માટે તેના પરિવારના સભ્યો આવ્યા અને ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશનની અંદર જ સ્ટાફની સામે ફડાકો ઝીકીને આરોપીને મુક્ત કરવામાં નહી આવે તો ઝેરી દવા પીવાની ધમકી આપી હોબાળો મચાવતા પોલીસે મહિલા સહીત ચાર સામે ગુનો દાખલ કર્યો છે.
ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ રામસિંહ પોલીસ સ્ટેશનમાં હાજર હતા, તેઓએ વિસાવદર સેસન્સ કોર્ટની સમરી કેસના કામે એક કેસના ફરીયાદી દિનેશ ચનાભાઈ ચૌહાણને નોટીસની સમજ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, અને તેને સમજ આપી રહ્યા હતા, પરંતુ તે સમયે દિનેશની સાથે આવેલા લલિત ચનાભાઈ ચૌહાણ નામના શખ્સે પોલીસ ઉપર તપાસ બાબતે કથીત આક્ષેપો કરીને હોબાળો મચાવ્યો હતો.
તે સમયે દિનેશ ચૌહાણ દારૂૂના નશામાં પોલીસ સ્ટેશનમાં આવ્યો હોવાથી પોલીસે તેની સામે કેફી પીણું પીધા હોવા અંગે ગુનો દાખલ કર્યો હતો.જેથી ઉશ્કેરાઈ જઇને લલિત ચના ચૌહાણ નામના શખ્સે ફરજ પરના હેડ કોન્સ્ટેબલને દિનેશને છોડી દેવા બાબતે બોલાચાલી કરીને ઝગડો કર્યો અને તેને નહી છોડે તો દવા પી જવાની ધમકી આપી અને ઋત્વિક લલિત ચૌહાણ નામના શખ્સે હેડ કોન્સ્ટેબલને ગાલ ઉપર ફડાકો ઝીકી દીધો હતો, જે અન્વયે પોલીસે લલિત ચૌહાણ, ઋત્વિક ચૌહાણ, વિશાલ ચૌહાણ અને એક મહિલા સામે ફરજ રુકાવટ સહિતની કલમો અન્વયે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.