ઉમરાળામાં જમીન પચાવી પાડવા પરિવાર પર હુમલો
અડધો પ્લોટ આપ્યો તોય માર મારી મહિલાઓને ગાળો ભાંડી, સુરતમાં પાટીદારોની તાકીદની બેઠક
સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે, જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે, ત્યારે ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો.
વૃદ્ધાનું ગળું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા છે અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 15 નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા તે વેળાએ તેના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી ગમારા કુટુંબના મઢ માટે કરી હતી. જ્યારે મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપી હોવા છતાં પણ અડધા પ્લોટની માંગણી ન સ્વીકારતા ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી હતી.
આ ઉપરાંત તેમની સાથે આવેલા કુલદીપ ગભાભાઈ ગમારા, ઇન્દુ ભગુભાઈ ગમારા, રતા ઇન્દુભાઇ ગમારા, માતર રામાભાઇ ગમારા, સુરેશ ખેંગારભાઈ ગમારા, રતાભાઈ ઇન્દુભાઇ ગમારાનો મોટો દીકરો, વિરમભાઈ ખેંગાભાઇ ગમારાનો નાનો દીકરો, બધાએ એક સંપ થઈ તો ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં જઈ ઘણ વડે દીવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં કુટુંબીજનો સાથે ફરિયાદ નોંધાવી હતી.
તારીખ: 17 નવેમ્બર 2025 ને સોમવારે સાંજે 8:30 કલાકે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ (સારથી એવન્યુ, ક.ઙ. સવાણી સ્કૂલ પાસે) ખાતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી. જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ ઘટના ફક્ત એક પરિવારની નથી, આપણા આખા સમાજની આબરૂૂ અને સુરક્ષાનો સવાલ છે. જમીન હડપવા, ઘરમાં ઘૂસીને માર મારવો, વૃદ્ધ માતાને મારી નાખવાની ધમકી આપવી. આવા અસામાજિક તત્વો સામે ચૂપ રહેવું એ આપણા સમાજ માટે અને ગામડામાં રહેતા દરેક સમાજના લોકો માટે ખતરો છે. આજે જે પાટીદાર યુવાન સુરતમાં છે, ખાસ કરીને મોટા વરાછા, કામરેજ, કાપોદ્રા, વરાછા, અમરોલી, પુણા, સરથાણા, અડાજણ, વેસુ, કતારગામ વિસ્તારના બધા ભાઈઓ અને વડીલો હાજર રહ્યા હતા.