રાજકોટમાં સતત બીજા દિવસે નકલી પોલીસે ચલાવી લૂંટ
જામકંડોરણાના શખ્સે ગોંડલના મિસ્ત્રી કારીગરને રોકી લાઈસન્સ-આર.સી. બુક માગી મોબાઇલ-રોકડ પડાવી લીધા
રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટયો છે. સતત બીજા દિવસે નકલી પોલીસે એક યુવાનને લુંટી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જો કે ગણતરીના કલાકોમાં તાલુકા પોલીસે આ નકલી પોલીસને ઝડપી લીધો હતો. મુળ ગોંડલના રાજકોટ રહેતા મિસ્ત્રી કામ કરતા યુવાનને રસ્તામાં રોકી લાયસન્સ અને આરસી બુક માંગી પોલીસ સ્ટેશને લઇ જવાની ધમકી આપી મોબાઇલ અને રોકડ લુંટી લીધા હતા.
મળતી વિગતો મુજબ મુળ ગોંડલના દોલત ઓઇલ મીલ સામે અક્ષર રેસીડેન્સીમા રહેતા અને હાલ રાજકોટ છેલ્લા 1 મહીનાથી કામ ધંધા અર્થે આવેલા મિસ્ત્રી કામ કરતા અને મારવાડી બિલ્ડીંગ પાસે નહેરૂનગર 10 માં ભાડેથી રહેતા સંદીપકુમાર ધમાલુભાઇ બરૂને નોંધાવેલી ફરીયાદ મુજબ ગઇ તા. 5-12 ના રોજ સવારે 9-30 કલાકે તે પોતાનુ મોટર સાયકલ નં. જીજે 3 એચએસ 2856 લઇને તેના મિત્ર સુનીલ સાથે નાના મવા મેઇન રોડ પરથી જતા હતા એક નંબર પ્લેટ વગરના મોટર સાયકલ પર આવેલા શખ્સે બંનેને રસ્તામાં રોકયા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી આરસી બુક અને મોટર સાયકલના કાગળો તથા લાયસન્સ માંગ્યુ હતુ. જે ડોકયુમેન્ટ સંદીપકુમાર પાસે ન હોય આ શખ્સને તેનુ નામ પુછતા સંદીપકુમારને તમાચો ઝીકી દીધો હતો અને પોતાની સાથે પોલીસ સ્ટેશનને આવવા ધમકાવ્યો હતો.
મિત્ર સુનીલ ત્યા મોટર સાયકલ પરથી ઉતરી ગયો હતો અને સંદીપ તેનુ હોન્ડા લઇ પોલીસ તરીકેની ઓળખ આપનાર શખ્સ પાછળ નિકળ્યો હતો ત્યારે રસ્તામાં સંદીપને ઉભો રાખી આ શખ્સે ધમકાવી 8 હજાર રોકડા અને પ હજારનો મોબાઇલ પડાવી લીધો હતો.
રસ્તામાં પરસાણા ચોક પાસે ફરીથી સંદીપને ઉભો રાખી હું પોલીસની ગાડી લઇને આવુ છુ તેવુ કહીને ત્યાથી મોટર સાયકલ લઇને ચાલ્યો ગયો હતો. સંદીપે નજીક પાનની દુકાન ચલાવતા વેપારીને પુછતા આ ભાઇ પોલીસમાં નહી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. પાનની દુકાન વાળા સાથે વાતચીત દરમિયાન આ શખ્સ ત્યા આવ્યો હતો અને સંદીપને પાનની દુકાવાળા સાથે વાતચીત કરતો જોઇ ત્યાથી ભાગી ગયો હતો. આથી સંદીપે આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઇ સી. એચ. જાદવ અને તેમની ટીમે તપાસ કરી નકલી પોલીસના નામે લુંટ ચલાવનાર શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ મુળ જામકંડોરણાનો વતની અને હાલ કણકોટ ગામ પાસે વર્ધમાન સોસાયટીમાં રહેતો ઘનશ્યામ ખીમજીભાઇ કટારીયા હોવાનુ ખુલ્યુ હતુ. તેની ધરપકડ કરી તાલુકા પોલીસે વિશેષ પુછપરછ શરૂ કરી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા તેમજ ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાના માર્ગદશન હેઠળ ઇન્ચાર્જ પીઆઇ સી.એચ. જાદવ સાથે પીએસઆઇ બી. આર સરવૈયાની ટીમના પીએસઆઇ બી.આર. ભરવાડ, હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્સ. મયુરસિંહ જાડેજા, સંજયભાઇ માંડાણી, નિકુંજભાઇ મારવીયા, મહાવીરસિંહ જાડેજા, બળભદ્રસંહ જાડેજા સહિતે કોન્સ. જુગલભાઇ કથીરીયા અને ઉગાભાઇ આહિરની બાતમી પરથી નકલી પોલીસને શોધી કાઢયો હતો.
નવા કપડાં ખરીદવા રૂપિયાની જરૂર પડતા પોલીસના નામે લુંટ ચલાવી
નકલી પોલી બની લુંટ ચલાવનાર ઘનશ્યામ ખીમજીભાઇ કટારીયા મુળ ગામ જામકંડોરણાના રામપર ગામનો છે અને તે હાલ કણકોટ વર્ધમાન સોસાયટીમાં રહે છે અને છુટક મજૂરી કરે છે. પૈસાની જરૂૂર હોઇ પોતે નકલી પોલીસ બની ગયો હતો. તેને મેલડી માતાના મંદિરે દર્શને જવું હોઇ નવા કપડા લેવા માટે પૈસાની જરૂૂર હોવાની લૂંટ કરી હોવાનું રટણ કર્યુ હતું! ઘનશ્યામ અગાઉ અપહરણ, બળાત્કાર, દારૂૂ પીવા સહિતના ગુનાઓમાં સંડોવાઇ ચુક્યો છે. ઘનશ્યામ કટારીયા હિસ્ટ્રીશીટરની છાપ ધરાવે છે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં જ આ નકલી પોલીસ બીજો કોઇ નહિ પણ ઘનશ્યામ કટારીયા હોવાનું ખુલ્યું હતું અને તેને શોધી કાઢયો હતો.