કુંવરજીભાઇના માણસો છીએ... એમ કહી GIDCના ઉદ્યોગકારો પાસેથી ઉઘરાણા
સુરત જિલ્લાના રાજકારણ અને ઔદ્યોગિક વર્તુળોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામનો દુરુપયોગ કરીને દિવાળીના તહેવાર દરમિયાન કીમ ચારરસ્તા જીઆઇડીસી વિસ્તારના ઉદ્યોગકારો પાસેથી બે શખસ દ્વારા ઉઘરાણું ધારાસભ્યનો જાહેરમંચ પરથી ખુલાસો ધારાસભ્ય કુંવરજી હળપતિ અરેઠ તાલુકાના કરંજ ગામે માંડવી તાલુકા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. તેમણે પોતાના પ્રવચનની શરૂૂઆતમાં જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ખુલાસો કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, તેમના અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના નામથી કેટલાક આગેવાનો ઉઘરાણા કરી રહ્યા હોવાના કિસ્સાઓ તેમના ધ્યાને આવ્યા છે. ધારાસભ્યએ જણાવ્યું કે, દિવાળીના સમયમાં મુકેશ અને ગોટુ નામના બે વ્યક્તિએ કુંવરજીભાઈના માણસો છીએ એવું કહીને કીમ ચારરસ્તા જીઆઇડીસીના ઉદ્યોગકારો પાસેથી રૂૂપિયા ઉઘરાવવાનો પ્રયાસ કર્યો છે.
કુંવરજી હળપતિએ સ્પષ્ટ શબ્દોમાં ઉદ્યોગકારોને ચેતવણી આપતા કહ્યું કે, આવા કોઈ માણસો મારા છે નહીં. હું સ્પષ્ટતા કરું છું કે મેં કોઈને પણ ઉઘરાણી માટે મોકલ્યા નથી. જો કોઈપણ વ્યક્તિ મારા કે અન્ય કોઈ નેતાના નામે રૂૂપિયા માંગે તો સીધો મારો સંપર્ક કરજો. ધારાસભ્યના આ જાહેર ખુલાસાને પગલે કાર્યક્રમમાં હાજર ઉદ્યોગકારો અને લોકોમાં ભારે ચર્ચા જાગી હતી. આ ઘટનાથી રાજકીય નેતાઓના નામનો દુરુપયોગ કરીને થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહીની માગ ઉઠી છે. હવે આગામી દિવસોમાં ભોગ બનનારા ઉદ્યોગકારો કે ખુદ ધારાસભ્ય દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે છે કે કેમ, તે જોવું રહ્યું.
સ્નેહમિલન સમારોહમાં ઔદ્યોગિક મુદ્દાઓ પર ચર્ચા આ કિસ્સો જે સ્નેહ મિલન સમારોહમાં સામે આવ્યો, તેનું આયોજન સુરત જિલ્લાના અરેઠ તાલુકાના કરંજ ગામે આવેલા શાહલોન ટેક્સટાઇલ પાર્કમાં માંડવી ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુંવરજી હળપતિ અને ગણપત વસાવા ઉપરાંત સુરત રેન્જ આઇજી પ્રેમવીર સિંઘ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
