રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના નવા રિંગ રોડ ઉપર રોંગ સાઈડમાં આવતા આઈસરે બાઈકને ઉલાળતા એન્જિનિયરનું મોત

01:28 PM Sep 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

છ મહિના પહેલાં પરણેલુ દંપતિ ખંડિત, અટલ સરોવર ફરવા જતાં નડેલો અકસ્માત

રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક કરુણ ઘટનામાં છ માસ પૂર્વે જ પ્રભુતામાં પગલા પાડનાર મેટોડામાં રહેતું દંપતિ રાત્રીના સમયે બાઈક લઈને અટલ સરોવર ફરવા જતું હતું ત્યારે સાઈડ બંધ હોવાના કારણે રોંગ સાઈડમાં ધસી આવેલા આઈસરે બાઈકને ઉલાળતા દંપતિ ફંગોળાયુ હતું. જેમાં પત્નીની નજર સામે જ ઈલેક્ટ્રીક એન્જિનિયર પતિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ જામ કંડોરણાના ભાદરા ગામના વતની અને હાલ મેટોડા જીઆઈડીસી ગેઈટ નંબર-3માં રહેતા નયનભાઈ મુકેશભાઈ વિરડિયા ઉ.વ.25 અને તેની પત્ની હેપીબેન નયનભાઈ વિરડિયા રાત્રીના સમયે પોતાનું બાઈક લઈ રાજકોટમાં નવા રીંગ રોડ ઉપર આવેલા અટલ સરોવર ફરવા જતા હતા ત્યારે અટલ સરોવર નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા આઈસરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા દંપતિ ફંગોળાયુ હતું. હેપીબેન વિરડિયાનો પગ આઈસરના પાછળના જોટામાં આવી ગયો હતો. જ્યારે નયન વિરડિયાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીની નજર સામે જ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી આઈસર ચાલક આઈસર રેઢુ મુકી નાશી છુટ્યો હતો.

ઘટનાને પગલે એકઠા થઈ ગયેલા લોકો તાત્કાલીક ઈજાગ્રસ્ત હેપીબેન વિરડિયાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યારે ઘટના અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વાય.બી. ભગત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક નયન વિરડિયા બે ભાઈ અને બે બહેનમાં નાનો હતો. મૃતક નયન વિરડિયા અને હેપીબેન વિરડિયાના છ માસ પૂર્વે જ લગ્ન થયા હતાં.

નયન વિરડિયા મેટોડાની એક કંપનીમાં ઈલેક્ટ્રીક એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાથી લગ્ન બાદ દંપતિ છેલ્લા દોઢ મહિનાથી મેટોડામાં સ્થાયી થયો હતો. નયન વિરડિયા 10 દિવસ પૂર્વે જ ભાદરા ગામે રહેતા પરિવારને લઈને મેટોડા આવ્યો હતો. અને ઘટનાના ત્રણ દિવસ પૂર્વે જ પરિવાર દંપતિને મળીને ભાદરાગામે પરત ફર્યો હતો. ગઈકાલે રાત્રીના સમયે નવદંપતિ ફરવા નિકળ્યું હતું. અને રાત્રીના સમયે જ મેટોડા પરત ફરતી વખતે રસ્તામાં આવતા અટલ સરોવર જવાની ઈચ્છા થતાં દંપતિ અટલ સરોવર ફરવા જતું હતું. ત્યારે જ રોંગસાઈડમાં કાળ બનીને ધસી આવેલા આઈસરે બાઈક ચાલક ઈલેક્ટ્રીક એન્જિનિયરનો ભોગ લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વાય.બી. ભગત સહિતના સ્ટાફે જીવલેણ અકસ્માત સર્જી નાશી છૂટેલા આઈસર ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Tags :
crimedeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement