શો રૂમમાંથી 7 લાખના લેપટોપ ચોરી કરનાર કર્મચારીની ધરપકડ
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં લેપટોપનો શો રૂમ ધરાવતા વૈભવ ભટ્ટને ત્યાં થયેલી 7.16 લાખના 9 જેટલા લેપટોપ ચોરીનો ભેદ રાજકોટ શહેર એલસીબી ઝોન-2નાં PSI આર.એચ. ઝાલા અને તેમની ટીમે ઉકેલી નાખી લેપટોપ ચોરી કરનાર કર્મચારીની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ લેપટોપના શો રૂમમાં થયેલી ચાર લેપટોપ ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.
ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ કાઈઝન સીસ્ટમ સોલ્યુશન નામની લેપટોપના શો રૂમમાં થોડા દિવસો પૂર્વે તપાસ કરતાં શો રૂમમાં રાખેલા લેપટોપના સ્ટોકમાંથી 9 જેટલા લેપટોપ ગુમ હતાં. આશરે 7.16 લાખની કિંમતના આ લેપટોપ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ અંગેની તપાસમાં એલસીબી ઝોન-2એ પણ ઝંપલાવ્યું હતું. PSI આર.એચ. ઝાલા અને તેમની ટીમે તપાસ કરતાં આ ચોરીમાં 10 દિવસ પૂર્વે જ શો રૂમમાં નોકરીએ જોડાયેલા જૂનાગઢના મોતીબાગ ગેઈટ નં.2 સાયોનારા સોસાયટીમાં રહેતા સ્મીત દર્શિતભાઈ વ્યાસ (ઉ.26)ની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું.
સ્મીતને એલસીબીની ટીમે શાસ્ત્રીમેદાન નજીકથી ઝડપી લીધો હતો. પુછપરછમાં તેણે આ લેપટોપ લોધાવાડ ચોકમાં કોમ્પ્યુટર અને લેપટોપ રીપેરીંગનું કામ કરતાં એક વેપારીને વેચી નાખ્યા હોવાનું જણાવતાં એલસીબીની ટીમે 9 લેપટોપ જેની કિંમત રૂા.7.16 લાખ કબજે કર્યા હતાં. પુછપરછમાં દર્શિતે અમદાવાદ વસ્ત્રાપુર રોડ પર માનસી સર્કલ પાસે હેલ્યો સેન્ટ્રીંકસ સીસ્ટમ નામની કંપની કે જે લેપટોપ વેચે છે ત્યાંથી પણ ચાર લેપટોપ ચોરી કર્યાનું કબુલ્યું હતું.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈની સુચના અને માર્ગદર્શન હેઠળ PSI આર.એચ.ઝાલા સાથે જે.વી.ગોહિલ, આર.એન. મિયાત્રા, ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાઘીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઈ નિમાવત, અનિલભાઈ જીલરીયા, કુલદીપસિંહ રાણા, અમીનભાઈ ભલુર અને પ્રશાંતભાઈ ગજેરાએ કામગીરી કરી હતી.