જૂનાગઢ આલ્ફા હોસ્ટેલની ઘટનામાં શિક્ષણ મંત્રીના તપાસના આદેશ
જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને માર મારવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ ઘટનાને ગંભીર ગણાવીને ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ સંદેશ છે કે આવી ઘટનાઓમાં કોઈને સાંખી લેવામાં નહીં આવે. જૂનાગઢના બિલખા રોડ પર આવેલી આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓ અથવા સ્ટાફે એક વિદ્યાર્થી પર શારીરિક હુમલો કર્યો હોવાનો આરોપ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેના કારણે સ્થાનિક લોકો અને વાલીઓમાં રોષ ફેલાયો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેની હાલત હવે સ્થિર હોવાનું પોલીસે જણાવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ ઘટનાને અત્યંત ગંભીર અને નિંદનીય ગણાવી અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું, મુખ્યમંત્રીજીનો સ્પષ્ટ સંદેશ છે કે આવી ઘટનાઓમાં કોઈને સાંખી લેવામાં નહીં આવે. હું હકીકતલક્ષી એહવાલ મંગાવી રહ્યો છું, અને જવાબદારો સામે કડક સજા ફટકારવામાં આવશે. મંત્રીએ વધુમાં કહ્યું કે શાળાઓ અને હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે, અને આવી ઘટનાઓ રોકવા માટે નવી નીતિઓ ઘડવામાં આવશે.
જૂનાગઢ જિલ્લા વહીવટ અને પોલીસે આ ઘટનાની તપાસ શરૂૂ કરી છે. જૂનાગઢ પોલીસે આલ્ફા સ્કૂલના હોસ્ટેલના સ્ટાફ અને સંડોવાયેલા વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવાનું શરૂૂ કર્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને પણ આ મામલે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ઘટનાના CCTV ફૂટેજ અને વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. જો ગુનો સાબિત થશે તો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવશે.