વીંછિયામાં જુગારની રેડ દરમિયાન જુગારી કુવામાં ખાબકયો, ડૂબી જતાં મોત
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરિયાળી ગામમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જ્યાં વાડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જે પૈકી એક જુગારી કૂવામાં કૂદી પડતા મોતને ભેટ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયા તાલુકાના થોરિયાળી ગામની વાડીમાં મુન્નાભાઈ રાજપરા સહિત 10 જેટલા ઈસમો ગઈકાલે રાતના સમયે જુગાર રમી રહ્યા હતા. આ બાબતની બાતમી મળતા સ્થાનિક પોલીસની ટીમ વાડીઓ પહોંચી હતી.
જ્યાં પોલીસને જોતા જુગારીઓ ભાગવા માંડ્યા હતા. આ સમયે મુન્નાભાઈ પોલીસથી બચવા વાડીમાં રહેલા કૂવામાં કૂદી પડ્યો હતો. જો કે તેને તરતા ના આવડતું હોવાના કારણે ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું માલૂમ પડ્યું છે.
હાલ તો પોલીસે મુન્નાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. ખરેખર મુન્નાભાઈનું મૃત્યુ ડૂબી જવાના કારણે જ થયું છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે? તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે પછી જ ખ્યાલ આવશે.