કુખ્યાત બૂટલેગર વિનોદ સિંધીને ગુજરાત ભેગો કરવા દુબઇ કોર્ટનો હુકમ
150 થી વધુ ગુનામા વોન્ટેડ વધુ એક ગુનેગાર ઉપર કાનુની શિકંજો કસવામાં સ્ટેટ મોનિટરિંગ સેલને સફળતા
બે વર્ષની કાયદાકીય લડાઇમાં હજારો કાગળોનો અરબી ભાષામાં અનુવાદ કરી દુબઇ કોર્ટમાં રજૂ કર્યા, ટૂંક સમયમાં ગુજરાત લવાશે
ગુજરાતમાં કોર્પોરેટ કંપનીની જેમ રોજનો કરોડોનો દારૂૂ સપ્લાય કરનાર અને ફિલ્મ રઇસના લતીફને પણ જાંખી પાડે એવો રૂૂઆબ ધરાવનાર કુખ્યાત બૂટલેગર વિનોદ સિંધી ઉર્ફે વિજય ઉધવાણીની ટૂંક સમયમાં જ દુબઈથી ધરપકડ કરીને ગુજરાત લાવવાની તૈયારી છે દુબઇ કોર્ટે વિનોદ સિંધીને ભારતને સોપવા હુકમ કર્યો છે.
પોલીસબેડામાં જય-વીરુની જોડી તરીકે ઓળખ ધરાવતા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત અને એસપી મયૂર ચાવડાની જોડીએ આ ઓપરેશન પાર પાડ્યું છે સ્ટેસ મોનિટરિંગ સેલે તૈયાર કરેલા કાગળોને આધારે દુબઈની કોર્ટે વિનોદ સિંધીના પ્રત્યાર્પણનો આદેશ આપી દીધો છે. દુબઈમાં મોજશોખ મનાવતા વિનોદ સિંધીની હવે ટૂંક જ સમયમાં ગુજરાત પોલીસ 150થી વધુ કેસોમાં ધરપકડ કરશે. તેની સામેના કેસ ફક્ત ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોના પણ નોંધાયેલા છે.
વિનોદ સિંધીને પરત લાવવા માટે તેની સામે નોંધાયેલા ગુનાની વિગતો અને અન્ય જરૂૂરી દસ્તાવેજો દુબઈની કોર્ટમાં જમા કરાવવામાં આવ્યા છે. આ માટે સ્ટેટ મોનિટરિંગ સેલે સતત 2 વર્ષ સુધી મહેનત કરી હતી સૌથી પહેલા વિનોદ સિંધીના કેસ સંબંધિત તમામ ડોક્યુમેન્ટનું ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવામા આવ્યા ત્યાર બાદ દુબઈમાં કાયદાકીય લડત માટે તમામ કાગળોને અંગ્રેજી ભાષામાંથી અરબીમાં ટ્રાન્સલેટ કરાવવા પડ્યા. એમાં ઘણો સમય તો ગયો જ. આ ઉપરાંત પ્રત્યેક કાગળને અરબી ભાષામાં અનુવાદ કરવાના 400 રૂૂપિયા ચૂકવવા પડ્યા. આવા એક-બે નહીં, પણ હજારો કાગળ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા.
3 સપ્ટેમ્બર, 2025ના રોજ દુબઈની કોર્ટે આદેશ કર્યો કે વિનોદ સિંધી સામે લાગેલા આરોપમાં તથ્ય દેખાય છે, એટલે આ વ્યક્તિને ભારત સરકારની સત્તાવાર તપાસ એજન્સીને સોંપી દેવામાં આવે. દુબઈ કોર્ટે આપેલાં ચાર પાનાંના આદેશની આ કોપી એક રીતે વિનોદ સિંધીનાં કાળાં કારનામાનાં અંતના પુરાવા સમાન છે.
ફ્રૂટ્સની લારી ચલાવતો વિનોદ પોતાના આકાને પતાવી લીકર કિંગ બન્યો,અનેક પોલીસ અધિકારીઓની કુંડળી ખુલશે
વિનોદ સિંધી વર્ષો પહેલાં ફ્રૂટ્સની લારી ચલાવતો હતો. ત્યાંથી તે કુખ્યાત મુકેશ હરજાણીના સંપર્કમાં આવ્યો અને બૂટલેગર બની બેઠો. દારૂૂના વેપારમાં મુકેશે જ વિનોદ સિંધીને મોટો કર્યો અને ફિલ્મી પટકથાની જેમ જ તે દારૂૂ ઘુસાડનારા બૂટલેગરોના લિસ્ટમાં મોસ્ટવોન્ટેડ બન્યો, જોકે મુકેશની હત્યામાં પણ વિનોદ પર ગંભીર આક્ષેપો થયા હતા, પરંતુ કોર્ટમાં તે નિર્દોષ છૂટ્યો હતો. વિનોદ સિંધી લીકરકિંગ તરીકે ઓળખાતો હતો. દારૂૂના ધંધામાં પગ મૂકતાંની સાથે જ અનેક આઈપીએસ અધિકારીઓનો ખાસ બની ગયો હતો. તેની સામે 150 કરતાં વધુ ગુના દાખલ થયેલા છે. વિનોદ સિંધી દુબઇમાં રહીને જ તેની ગેંગ મારફત દારૂૂની હેરાફેરી કરાવતો હતો. ગુજરાત અને રાજસ્થાનમાંથી દારૂૂના ગેરકાયદે ધંધામાં પકડાયેલા ઘણા આરોપીઓ વિનોદના સંપર્કમાં હતા. રાજસ્થાનનો ગેગસ્ટર અનિલ પંડ્યા પણ વિનોદના ઇશારે જ દારૂૂનો વેપાર કરી રહ્યો છે. એક કોર્પોરેટ કંપનીની જેમ દારૂૂનો વેપાર કરતા વિનોદ સિંધીએ અનેક લોકોને સાથે રાખીને તમામને નિશ્ચિત કામ સોંપી રાખ્યાં હતાં. તેમાં નાગદાન ગઢવી, સોનુ, આસુ, સિયાપિયા, સાવન સહિતના અને નામચીન બૂટલેગરો પણ સામેલ હતા. આ તમામ લોકો આખા ગુજરાતમાં દારૂૂની વિસ્તાર પ્રમાણે ડિલિવરીનું કામ કરતા હતા, જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં અલગ-અલગ જગ્યાએ કેવી રીતે દારૂૂ સપ્લાય કરવો? કઈ ગાડીમાં ક્યાં જીપીએસ લગાવવું? પોલીસથી કેવી રીતે બચવું? તેમ જ ક્યાં-કોને-કેટલા પૈસા આપવા? એ નક્કી કરતો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત પોલીસના કેટલાક મોટા પોલીસ અધિકારીથી માંડીને નાના કર્મચારી પણ વિનોદ સિંધીના સંપર્કમાં હોઈ શકે છે. વિનોદ પકડાય તો કયા અધિકારી અને પોલીસકર્મીઓના તાર જોડાયેલા એ મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવશે.