ડ્રાયફ્રૂટના ધંધાર્થીને નાણાંની ઉઘરાણીમાં અપહરણ કરી વેપારી સહિતનાએ માર માર્યો
પડધરીના રંગપરના પાટીયા પાસે રહેતા ડ્રાયફુટના ધંધાર્થીંને નાણાની ઉઘરાણીમાં વેપારી સહીતના શખ્સોએ રૈયા ચોકડી પાસે બોલાવ્યા બાદ તેનું અપહરણ કરી દાણાપીઠ અને ધર્મેન્દ્ર રોડ પર લઇ જઇ દુકાનમાં ગોંધી રાખી ઢોર માર મારતા ઇજાગ્રસ્ત યુવાન સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રંગપરના પાટીયા પાસે રહેતો નવઘણ ભુપતભાઇ સોલંકી ઉ.વ.31 નામનો યુવાન ગઇકાલે બપોરે પોતાના ઘરે હતો ત્યારે આંગડીયા પેઢીનું પાર્સલ આવ્યાનું કહી રૈયા ચોકડી પાસે બોલાવવામાં આવતા તે રૈયા ચોકડીએ આવ્યો ત્યારે સબીર, આશીષ, અને અજાણ્યો શખ્સ એકટીવા લઇ આવ્યા હતા.
આરોપીઓએ યુવાનને ગાળો આપી માર માર્યા બાદ તેમનું એકટીવામાં અપહરણ કરી દાણાપીઠમાં ક્ધિશ ડ્રાયફુડ નામની દુકાને લઇ જઇ તેને માર માર્યો હતો. બાદમાં ધર્મેન્દ્ર રોડ પર ફાઇવસ્ટાર ડ્રાયફુડ નામની દુકાને લઇ જઇ રાત્રે 10 વાગ્યા સુધી ગોંધી રાખી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેનું કપડા કાઢી પટ્ટાથી બેફામ ફટકારી છોડી મુકવામાં આવતા તે ઘરે જતો રહ્યો હતો. બાદમાં આજે દુખાવો થતા તે સિવિલ હોસ્પીટલમાં દાખલ થતા આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં નવઘણ ડ્રાયફુડનો ધંધો કરતો હોય આરોપીઓ પણ ડ્રાયફુડના વેપારી હોય જેથી નવઘણે આરોપીઓ પાસેથી ત્રણ મહીના અગાઉ 50 હજારની ડ્રાયફુડની ખરીદી કરી હોય જેમાં 30 હજાર ચુકવી દીધા હતા. બાકીના 20 હજારની ઉઘરાણી કરી તેનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.