આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા
પિતા ઉપર દેણું કરી દેતા અને અવાર નવાર નશો કરી ઝઘડા કરતો હોવાથી કંટાળી ઢીમ ઢાળી દીધું
પુત્રને રાપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસમાં હાજર થઈ ગયા: હત્યાનો ગુનો નોંધવા તજવીજ
રાજકોટ જિલ્લામાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. નશેડી પુત્ર અવાર નવાર નશાની હાલતમાં ઘરે આવી ઝઘડો કરતો હોય અને પિતા ઉપર દેણુ કરી દીધું હોય જેથી આજે સવારે પિતા-પુત્ર વચ્ચેઝઘડો થતાં પિતાએ નશેડી પુત્રને રાપના ઘા ઝીંકી પતાવી દીધો હતો. પુત્રને રાપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસ મથકમાં હાજર થઈ ગયા હતાં. આ અંગે આટકોટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આટકોટમાં જસદણ ચોકડી પાસે પાણીના ટાંકા નજીક રહેતો તુષાર ઘનશ્યામભાઈ સેલિયા ઉ.વ.28 નામનો યુવાન આજે સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે તેના પિતા ઘનશ્યામભાઈ ભીમજીભાઈ સેલિયા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તેના પિતા ઘનશ્યામભાઈએ તુષારને માથામાં લોખંડની રાપનો ઘા ઝીંકી દેતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ આટકોટ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબે તુષારને જોઈ તપાસી મરણ થયું હોવાનું જાહેર કર્યુ હતું.
બીજી તરફ પિતા ઘનશ્યામભાઈએ પુત્રને રાપનો ઘા ઝીંકી દીધા બાદ તેઓ આટકોટ પોલીસ મથકમાં હાજર થઈ ગયા હતાં. અને પુત્ર સાથે ઝઘડો થતાં માથામાં રાપનો ઘામારી દીધાનું જણાવ્યું હતું. આ અંગે આટકોટ પોલીસ મથકના પી.આઈ. આર.એસ. સાકરિયા સહિતના સ્ટાફે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ મૃતક તુષારના મૃતદેહને પી.એમ.માં ખસેડી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક તુષાર એક બહેનનો એકનો એક મોટોભાઈ હોવાનું અને તે અપરણીત હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા ખેતીકામ કરે છે. મૃતક તુષાર કંઈ કામ ધંધો કરતો ન હોય અને દારૂ અને ગાંજો પીવાની ટેવ ધરાવતો હોય અવાર નવાર નશાની હાલતમાં ઘરે આવી પિતા સાથે ઝઘડો કરતો હોય અને પિતા ઉપર દેણુ પણ કરી નાખ્યું હોય જેથી આજે સવારે પણ પિતા સાથે ઝઘડો કરતો હોવાથી ઉશ્કેરાટમાં પિતાએ પુત્રને રાપનો ઘા ઝીંકી દેતા તેની હત્યા થઈ હતી. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસમાં મૃતક તુષારે ચારેક દિવસ પહેલા જેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.