રૂા.20 માટે દારૂડિયાએ સગીરને રહેંસી નાખ્યો
પોલીસ સ્ટેશને ટોળાનું હલ્લાબોલ
નશેડીને દારૂ ઢીંચવા પૈસા નહીં આપતા છરીના ઘા ઝીંકી દીધા, કાપોદ્રા પોલીસ સ્ટેશને ટોળાં ઉમટી પડતાં તંગદિલી, પોલીસના ધાડા ઉતારી દેવાયા
કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી છે. વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માગ્યા હતા. પરંતુ તેની પાસે માત્ર 10 રૂૂપિયા જ હોવાથી આપવાનો ઈન્કાર કર્યો હતો.
આ નશાખોર આટલેથી નહોતો અટક્યો તેણે આગળ જઇ રિક્ષાચાલકને પણ ક્યાંક મુકી જવા જણાવ્યું. પરંતુ રીક્ષા ચાલકે ઈન્કાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા. હાલ રિક્ષાચાલક પણ સારવાર હેઠળ છે. હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો. બાદમાં માંડ માંડ મોડીરાત્રે 2 વાગ્યે થાળે પડેલો મામલો ફરી આજે બપોરે ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. અહીં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.
દારૂૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. દારૂૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે માંગ કરી રહ્યા છે. આ સાથે જ 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ ઘટનાસ્થળે મહિલાઓ સાથે જઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે. અરવિંદભાઈને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર પરેશ (ઉં.વ.17) છે. અરવિંદભાઈ ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અરવિંદભાઈનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં સરીન વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂૂપ થતો હતો.