વઢવાણના ગેબનશાપીર સર્કલ પાસે પીધેલા કાર ચાલકે એક બાઇક સહિત ત્રણ વાહનને ઉલાળ્યા
સ્થાનિકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો, પોલીસે ગંભીરતા નહીં દાખવી માત્ર પીધેલાનો ગુનો નોંધ્યો
વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે કારના ચાલકે કાર ચલાવી એક બાઈક સહિત બેથી ત્રણ અલગ-અલગ વાહનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક બાળકી, મહિલા અને પુરૃષ સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે વાહન ચાલકો સહિત સ્થાનિકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લઈ મેથીપાક ચખાડયો હતો. બનાવ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.
પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક વઢવાણના મેમકા ગામે રહેતો રણજીતભાઈ કાંતિલાલ મકવાણા હતો અને દારૃ પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. આ અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો તેમજ કારચાલકને બી-ડિવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
અકસ્માતના બનાવથી ભોગ બનનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો અકસ્માતને જોનાર પ્રત્યક્ષદર્શીઓ સહિત લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને કાર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
અમુક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત બાદ કારની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૃ પણ મળી આવ્યો હતો. જે મુદ્દામાલ પોલીસ આવે તે પહેલા જ સગેવગે કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ અકસ્માત સર્જનાર કાર ચાલક પોલીસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીના સબંધી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા આ અંગે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.
વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે કાર ચાલકે બાઈક સહિત વાહનોને અડફેટે લેતા ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી તેમ છતાં બી-ડિવીઝન પોલીસે અકસ્માતની ગંભીરતા નહીં દાખવી કાર ચાલક સામે માત્ર પીધેલાનો ગુનો દાખલ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.