કેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી
રાજકોટમાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવવાના કારણે અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવે છે.ત્યારે શહેરના કેકેવી ચોકમાં બુધવારે રાત્રે નવેક વાગ્યે પૂરપાટ ઝડપે પસાર થયેલી કારે એક મહિલાને ઠોકરે લીધા બાદ એક કાર અને રિક્ષા સહિત ત્રણ વાહનો ઉલાળ્યા હતા,અકસ્માતની હારમાળા સર્જી કારચાલક બીઆરટીએસ રૂૂટ પર ભાગ્યો હતો પરંતુ પોલીસે પીછો કરી તેને ઝડપી લીધો હતો.
ઝડપાયેલો કારચાલક ચિક્કાર નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ,શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા કાલાવડ રોડ ઉપર કેકેવી ચોક નજીક આજે એક એસયુવી કારના ચાલકે એક બાદ એક ત્રણેક વાહનોને હડફેટે લેતા નાસભાગ મચી ગઈ હતી.આ ઘટનામાં સગુણાબેન શાપરિયા નામના મહિલાને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી.અકસ્માત બાદ કારના ચાલકને સ્થાનિક લોકોએ અને ત્યાં હાજર ટ્રાફિક બ્રિગેડે રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર બીઆરટીએસ રૂૂટ પર હંકારી મૂકી હતી.આ સમયે પણ એક રીક્ષા આડી ઉતરતા તેને પણ ટક્કર મારી ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
જાણ થતાં માલવિયાનગર પોલીસના સ્ટાફે કાર ચાલકને થોડે દૂરથી પકડી લઇ પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રાજ અનિલભાઈ ગામી (ઉ.વ.28, રહે. સદગુરુ પેલેસ એપાર્ટમેન્ટ, કેકેવી ચોક પાસે, 150 ફૂટ રિંગ રોડ) હોવાનું જણાવ્યું હતું.બીજી તરફ તે દારૂૂ પીધેલો હોવાનું જણવા મળતા તેની સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ અકસ્માતનો ગુનો નોંધાયો હતો.તેમજ આ મામલે હેડકોન્સ્ટેબલ અજયભાઈ વિકમાં અને સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે.આરોપી રાજ પટેલ કોટેચા ચોકમાં પૌઆની સ્પેશિયાલિટીનું રેસ્ટોરન્ટ ચલાવે છે.નશો કરીને રાજ ગામી ક્યાં જતો હતો, દારૂૂ ક્યાંથી આવ્યો હતો? તે સહિતના મુદ્દે પોલીસે તપાસ કરશે જોકે તેને પોલીસ સ્ટેશને લઇ જવાયો ત્યારે તે એકપણ પ્રશ્નનો જવાબ આપી શકે તેવી સ્થિતિમાં નહોતો, અકસ્માતમાં ઘવાયેલા મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે,શહેરમાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવવાના કારણે અવાર નવાર અકસ્માતોની હારમાળા સર્જાય છે.કોટેચા ચોકમાં બનેલો બનાવ હજુ તાજો જ છે ત્યારે ફરી આવો જ એક બનાવ કેકેવી ચોક નજીક બનતાં બેફિકરાઈથી ડ્રાઇવિંગ વાહન ચાલકો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.