ડ્રગ્સ પેડલર મહિલાના પુત્રએ ઘરમાં જ કરી ધમાલ: પત્નીને માર માર્યો
શહેરમાં કુખ્યાત ડ્રગ્સ પેડલર મહિલાના પુત્રએ ઘરમાં જ ધમાલ મચાવી હોવાની ઘટના સામે આવી છે જેમાં જમવાનું મોડું થતા પત્નીને ઢોર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં આવેલ 12 માળિયા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી નિશિતાબેનબેન મયુરભાઈ ધામેલીયા નામની 23 વર્ષની પરિણીતા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ મયુર ધામેલીયાએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો પરિણીતાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મયુર ધામેલીયા કુખ્યાત ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયાનો પુત્ર છે અને તેના વિરુદ્ધ બે દિવસ પૂર્વે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ હતી. અને ગઈકાલે ઝડપાયેલા હથિયારના ગુનામાં પણ તેની સંડોવણી ખુલ્લી છે જ્યારે મયુર ધામેલીયાએ ચાર વર્ષ પૂર્વે નિશિતાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જમવાનું મોડું થવા મુદ્દે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.